Heavy Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાની શરૂઆતની સાથે ભાવનગર અને બોટાદ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. બંને જિલ્લામાં વરસાદી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
Heavy Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાની શરૂઆતની સાથે ભાવનગર અને બોટાદ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. બંને જિલ્લામાં વરસાદી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
ભાવનગરના વલ્લભીપુરમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ભાવનગર જિલ્લામા મેઘ તાંડવ જોવા મળ્યું છે. વલ્લભીપુરના કાનપર અને મૂળધરાઈ ગામમાં પાણી ભરાયા છે. સતત વરસી રહેલા વરસાદમાં વલ્લભીપુર પાણી પાણી થયું છે. બોટાદનું ખાંભડા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે.
ખાંભડા ગામમાં ચારેતરફ પાણી ભરાયેલા દેખાઈ રહ્યાં છે. ખાંભડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાંભડા ડેમના દરવાજા ખોલતા ગામમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા છે.
કલેક્ટરે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો છે. આજે બપોરે 1થી 2 વાગ્યા સુધીમાં 100 ટકા ભરાઇ જશે. ડેમ ભરાયા બાદ તેમના દરવાજા ખોલવામાં આવશે. જેથી શેત્રુંજી ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. પાલિતાણાના 5 ગામ અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે. તેથી તમામ લોકોને વિનંતી છે કે, 1 વાગ્યા પહેલા સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ છે. પ્રશાસન અને વહીવટ તંત્ર તમને મદદ કરશે. SDM, મામલતદાર અને તલાટી મારફતે સુચના મોકલી રહ્યા છીએ.
પાલિતાણાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે એક ગામથી બીજા ગામ જવા માટેનો રસ્તો ધોવાયો છે. દુધસર, સરકડીયા, ગુંદાળા ગામ જવાનો રસ્તો બંધ કરાયો છે.
ભાવનગરમાં ભારે વરસાદ બાદ ભયાવહ દ્રશ્યો સર્જાયા છે. પૂર જેવા પાણીમાં લોકોને જીવ બચાવવાની જરૂર પડી છે. આ માટે અનેક રેસ્ક્યૂ ઓપરેશન ઓપરેશન હાથ ધરાયા છે. સિહોરના મગલાણા ગામના સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને બચાવવા ગયેલા તરવૈયા પણ ફસાયા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં 14 ઈંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદ પડતા ગઢડા શહેરમાં અને ગ્રામ વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાતા મોટાભાગના ગામડાઓના રસ્તાઓ બંધ થયા. ગઢડાથી ઉગામેડી, નિગાળા, ઝીઝાવદર, રોહિશાળા તરફ જવાના રસ્તો બંધ થયો.
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી મુખ્ય માર્ગો બંધ હાલતમાં છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ અનેક રસ્તાઓ બંધ થયા છે. ભાવનગરથી ધંધૂકા અને અમદાવાદ જતો હાઈવે બંધ થયો છે. ચમારડી પાસેના કોઝવે પર પાણી ભરાઈ જતાં રસ્તાઓ પ્રભાવિત થયા છે. મુખ્ય માર્ગ બંધ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ વરસાદ વરસ્યો. આ ભારે વરસાદને કારણે પાલિતાણા અને સિહોરને જોડતાં 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. પાલિતાણાના રંડોરાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પરના પુલ તૂટી ગયા છે. બુઢણા, લવરડા, ઢુંઢસર, સરકડીયા, ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે.