ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણો દેશ ભારત અનેક રહસ્યોથી ભરેલો છે. અહીં ડગલે-પગલે એવી જાણકારી મળે છે, જેને જાણીને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આ સાથે જ આપણાં દેશમાં કેટલાક મંદિર એવા પણ છે જે ગૂઢ રહસ્યોથી ભરેલા છે. ભારતમાં આવુ જ એક મંદિર છે. જે પોતાની અદ્ભૂત શક્તિથી હજારો ટન વજન ધરાવતા જહાજને પણ પોતાના તરફ આકર્ષિત કરે છે.
ભારતમાં એક એવું મંદિર છે જે પોતાની અદ્ભૂત શક્તિથી હજારો ટન વજન ધરાવતા જહાજને પણ પોતાના તરફ આકર્ષિત કરે છે.
હકીકતમાં અમે વાત કરી રહ્યા છે કોણાર્કમાં બનેલા સૂર્ય મંદિરની. આ મંદિર ભારતમાં બનેલા સૂર્યમંદિરો પૈકીનું એક છે. આ મંદિર ઓડિશાના જગ્ગનાથ પુરીથી 35 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વના કોણાર્ક શહેરમાં આવેલુ છે. કોણાર્ક મંદિર તેની પૌરાણિક કથા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સિવાય અન્ય ઘણા કારણો છે, જેના લીધે લોકો વિશ્વનાં ખૂણેખૂણેથી અહીં આ મંદિર જોવા માટે આવે છે.
કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાની મધ્યકાલીન વાસ્તુકળાનો શ્રેષ્ઠ નમૂનો છે અને તેથી જ વર્ષ 1984માં યૂનેસ્કોએ કોણાર્ક સૂર્ય મંદિરનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કર્યો છે. કોણાર્ક મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવેલા સૂર્ય ભગવાનનાં સાક્ષાત દર્શન કરવાનું સૌભાગ્ય ઘણા ઓછા લોકોને મળે છે.
પૌરાણિક કથા અનુસાર, કોણાર્ક મંદિરનાં શિખર પર 52 ટનનો ચુંબકીય પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ પથ્થરનો ઉપયોગ દરિયાની મુશ્કેલીઓ ઘટાડવા માટે થતો હતો. આ જ કારણોસર કોણાર્કનું મંદિર સેંકડો દાયકાથી સમુદ્રનાં કિનારા પર ઓડિશાની શોભા વધારી રહ્યું છે. એક સમયે જ્યારે મંદિરના મુખ્ય ચુંબકને અન્ય ચુંબકો સાથે એ રીતે ગોઠવવામાં આવેલુ હતુ કે, મંદિરની મૂર્તિ હવામાં તરતી દેખાતી હતી.
જોકે, મંદિરની આ તાકતવર ચુંબકીય વ્યવસ્થા આધુનિક કાળની શરૂઆતમાં સમસ્યા બનવા લાગી. મંદિરમાં મૂકવામાં આવેલા 52 ટનના ચુંબકના કારણે સમુદ્રના જહાજ મંદિર તરફ ખેંચાઈને આવતા હતા. અંગ્રેજો પોતાના શાસનકાળ દરમિયાન જહાજોને થતુ નુકસાન સહન ન કરી શક્યા. અને તેમણે મંદિરની અંદર લગાવેલા ચુંબકને નીકાળી દીધો. આમ કર્યા પછી જે થવાનું હતુ તેનો અંદાજો કોઈને ન હતો.
હકીકતમાં કોણાર્ક મંદિરને ચુંબકીય વ્યવસ્થા અનુસાર બનાવવામાં આવ્યું હતું. વિશાળકાય ચુંબક નીકાળવાના કારણે મંદિરનું સંતુલન ખોરવાઈ ગયું. જેના કારણે મંદિરની અનેક દિવાલ અને પથ્થર પડવા લાગ્યા.
તમને જણાવી દઈએ કે, કોણાર્ક મંદિરની કલ્પના સૂર્યના રથ સ્વરૂપે કરવામાં આવી હતી. રથમાં 12 પૈડા લાગેલા હતા. જેની વિશાળ રચના લોકોને રોમાંચિત કરતી હતી.