Gujarat HeavyRain Forecast: મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી પહોંચેલું ચોમાસું હવે ધીરેધીરે આગળ વધી રહ્યું છે. તો બીજી બાજુ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અનેક શહેરોમાં ઉકળાટનો માહોલ છવાયો છે. એવામાં હવે સૂર્યદેવના મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે જ વરસાદના 11 નક્ષત્રો શરૂ થયા છે. દરમિયાન 22 જૂનના રોજ સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રમાં પ્રવેશ વેળા વરસાદી માહોલ બનવાના અને પુષ્ય નક્ષત્રમાં ધોધમાર વરસાદ વરસાદનો વરતારો કાઢવામાં આવ્યો છે.
ભારતમાં મોટા ભાગે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદની શરૂઆત થઇ જાય છે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આદ્રા નક્ષત્ર બેસવાની સાથે ચોમાસાની શરૂઆત થાય છે. ત્યારે સૂર્યદેવના મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ સાથે વરસાદના 11 નક્ષત્રો શરૂ થશે. ચંદ્ર નક્ષત્ર અને વાહનની સ્થિતિને આધારે એકંદરે મધ્યમ સંતોષજનક વરસાદનો વરતારો કરવામાં આવ્યો છે. 22મી જૂને આદ્રા પ્રવેશ કરશે, જેથી આદ્રા નક્ષત્રમાં વરસાદી માહોલ બનશે અને પુષ્યમાં ધોધમાર વરસાદ વરસશે.
ચોમાસાની સિઝનમાં સૂર્યદેવના નક્ષત્ર પરિવર્તનને આધારે જ વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. વરસાદના 11 નક્ષત્રો ગણવામાં આવે છે. સૂર્યદેવના મૃગશીર્ષમાં પ્રવેશથી માંડીને સ્વાતિ નક્ષત્રમાંથી પરિવર્તન સુધીના સમયગાળાને વરસાદના નક્ષત્રો માનવામાં આવે છે. તેમાં પણ વિશેષ આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોવાનું માનવામાં આવે છે. આદ્રામાં સૂર્યના આગમન વેળા ભગવાન શંકર અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
વૈદિક પંચાગ મુજબ સમય સમય પર ગ્રહો ગોચર કરે છે. જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ અને દુનિયા પર પણ પડે છે. સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે, ત્યારે ગુરુ આદિત્ય યોગ અને બુધાદિત્ય યોગ બનશે. જ્યારે આ ત્રણેય ગ્રહોનું સંગમ થશે, ત્યારે ત્રિગ્રહી યોગ બનશે.
ગ્રહોનો રાજા સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેમના રાશિ પરિવર્તન કરવાની ક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ વેળાએ ધનારક કમુરતા, મીન રાશિમાં પ્રવેશ વેળાએ મીનારક કમુરતા અને મકર રાશિમાં પ્રવેશ વેળાએ મકરસંક્રાંતિ તરીકે ઉજવણી થાય છે. આ જ પ્રકારે સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન પણ ભારે મહાત્મ્ય ધરાવે છે.
22 જૂનના રોજ જેઠ વદ બારસના રવિવારે સવારે 6.19 વાગ્યે મેષના ચંદ્રામાં ભરણી નક્ષત્ર, સુકર્માયોગ, કૌલવકરણમાં, સૂર્યનારાયણ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે વાહન મૂષક છે. ઉદિત લગ્ન મિથુન છે. તિથિ અને યોગ બન્ને શુભ છે. વાર પાપ ગ્રહનું છે. નક્ષત્ર શુક્ર ગ્રહનું છે.
આદ્રા પ્રવેશ સમયે મિથુન લગ્ન છે. લગ્ન શુભ ગ્રહનું છે. લગ્નેશ બુધ લગ્નમાં સ્વગ્રહી છે અને ચંદ્ર લાભ સ્થાનમાં છે. વિવિધ સંયોગને જોતાં આદ્રા નક્ષત્ર વેળાએ વરસાદી માહોલ બનશે. જ્યારે ૧૯ જુલાઇથી ૨ ઓગસ્ટ સુધીના પુષ્ય નક્ષત્ર વેળાએ ધોધમાર વરસાદ વરસે એવી સંભાવના સેવાઈ રહી છે.
(1). મૃગશીર્ષ નક્ષત્ર : 8 જૂનના રોજ રવિવાર. ચંદ્ર નક્ષત્ર સ્વાતિ. વાહન શિયાળ. ગરમીનું પ્રમાણ વધુ રહે. (2). પુનર્વસુ નક્ષત્ર: ૫ જુલાઇના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર વિશાખા. વાહન અશ્વ. વરસાદની મધ્યમ શરૂઆત થાય. (3). આશ્લેષા નક્ષત્ર : ૨ ઓગસ્ટના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર વિશાખા. વાહન ગંદર્ભ. વરસાદ મધ્યમ રહે. (4). પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : ૩૦ ઓગસ્ટના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર અનુરાધા. વાહન ભેંસ, મધ્યમ-સારો વરસાદ રહે. (5). હસ્ત નક્ષત્ર : ૨૭ જુલાઇના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર વિશાખા. વાહન મોર. મેઘગર્જના સાથે સારો વરસાદ થાય.
(6). આદ્રા નક્ષત્ર : ૨૨ જૂનના રોજ રવિવાર. ચંદ્ર નક્ષત્ર ભરણી, વાહન મૃષક. વરસાદી માહોલ રહે. (7). પુષ્ય નક્ષત્ર : ૧૯ જુલાઇના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર કૃતિકા. વાહન મોર. વરસાદ સારો રહે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ સંભવ. (8). મઘા નક્ષત્ર : ૧૬ ઓગસ્ટ, શનિવાર. ચંદ્ર નક્ષત્ર કૃતિકા. વાહન દેડકો. સારા વરસાદથી પાણીની સમસ્યા દૂર થાય. (9). ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : ૧૩ સપ્ટેમ્બરના રોજ શનિવાર. ચંદ્ર નક્ષત્ર રોહિણી. વાહન શિયાળ, છૂટોછવાયો વરસાદ રહે.
(10). ચિત્રા નક્ષત્ર : ૧૦ ઓક્ટોબરના રોજ શુક્રવાર. ચંદ્ર નક્ષત્ર રોહિણી. વાહન હાથી છૂટોછવાયો સારો વરસાદ રહે. (11). સ્વાતિ નક્ષત્ર: ૨૪ ઓક્ટોબરના રોજ શુક્રવાર. ચંદ્ર નક્ષત્ર અનુરાધા. વાહન દેડકો. સારા વરસાદથી પાણીની સમસ્યા દૂર થાય.