વાયુસેના પ્રમુખે કહ્યું કે ભારતનું એલસીએ તેજસ જ થંડર પર ભારે પડે છે. આવામાં એલસીએ તેજસ માર્ક 1એની વાત જ ન કરાય. કારણ કે તેની સામે થંડર ક્યાંય ટકતું જ નથી.
ભારતનું તેજસ ફાઈટર વિમાન સંપૂર્ણ રીતે ભારતમાં બનેલું છે. જો કે એન્જિન અમેરિકન છે. પરંતુ આ એન્જિન એકદમ અપડેટેડ છે અને તેની ક્ષમતાઓ ખુબ વધારે છે. આ બાજુ જેએફ થંડરને પાકિસ્તાને ચીનની મદદથી બનાવ્યું છે. જે રશિયાના મિગ-21ને જ અપગ્રેડ કરીને બનાવ્યું છે. જો કે તેમાં ઘણા ફેરફાર પણ કરાયા છે. પરંતુ તે ભારે છે અને તેજસ આગળ ઘણું સુસ્ત પણ છે. ડોગ ફાઈટની વાત કરીએ તો તેજમાં અપગ્રેડેડ અને નવી રડાર સિસ્ટમ લાગેલી છે. આ સાથે જ તેની સ્પીડ 1.8 મેક એટલે કે 2222 કિમી પ્રતિ કલાક છે જ્યારે જેએફ-17ની સ્પીડ 1.6 મેક સુધીની જ છે. આ સાથે જ તેમા ચીની ક્રોસ રડાર સિસ્ટમ લાગેલી છે જે આઉટડેટેડ તો નથી પરંતુ નવી પણ નથી.
તેજસ માર્ક 1એ મલ્ટીરોલ લાઈટ એરક્રાફ્ટ છે, જે જાસૂસી, ઈન્ટરસેપ્ટિંગની સાથે જ એર ટુ ગ્રાઉન્ડ અને એર ટુ એર મિસાઈલોથી લેસ છે. એટલું જ નહીં તેજસમાં પાણીના જહાજોને પણ નિશાન બનાવવા માટે મિસાઈલો લેસ છે. તેજસ પર રુદ્રામ એન્ટી રેડિએશન મિસાઈલ પણ લેસ હશે. આ બાજુ જેએફ-17 પણ આ ખુબીઓથી લેસ છે. પરંતુ જેએફ-17નું વજન ખુબ વધુ છે. અને તેની સાઈઝ પણ મોટી છે. જેના કારણે તે જલદી તેજસના નિશાન પર આવી જશે. તેજસમાં જામર પ્રોટેક્શન ટેક્નોલોજી છે જેથી કરીને દુશ્નમની સરહદ નજીક તેનું કોમ્યુનિકેશન બંધ ન થાય. તેજસને 42 ટકા કાર્બન ફાઈબર, 43 ટકા એલ્યુમિનિયમ એલોય અને ટાઈટેનિયમથી બનાવવામાં આવ્યું છે. જે તેને અન્ય ફાઈટર જેટ્સથી અલગ બનાવે છે.
પાકિસ્તાની જેએફ-17 થંડરની ફ્યૂલ ક્ષમતા 2330 કિલોની છે. આ ઉપરાંત એક્સટર્નલ ટેન્ક 2400 કિલો વધારાના ફ્યૂલ સાથે તે ઉડી શકે છે. જ્યારે તેજસની ફ્યૂલ ક્ષમતા 2458 કિલોની છે જ્યારે 3725 કિલો વધારાના ફ્યૂલ એક્સટર્નલ ટેન્કને તે સાથે કેરી કરી શકે છે. થંડરમાં 4600 કિલો સુધીના પેલોડ એટલે કે કોઈ પણ બોમ્બ, મિસાઈલ લઈ જવાની ક્ષમતા છે. જ્યારે તેજસ 5300 કિલો સુધીનો પેલોડ એક સાથે લઈ જઈ શકે છે.
તેજસ ફાઈટર જેટ બાલાકોટ જેવી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં પણ સક્ષમ છે. મિસાઈલ વગેરેના મામલે પણ તેજસ તે સમયે સર્જિકલ સ્ટ્રાઈકમાં ઉપયોગમાં લેવાયેલા વિમાનો એટલે કે ભારતીય મિરાજ વિમાનથી સારા છે. જ્યારે થંડર મિરાજ વિમાનોનો જ સામનો કરવામાં સક્ષમ નથી. આવામાં બંને એરક્રાફ્ટમાં ખુબ અંતર છે. હવે જ્યારે ભારતીય વાયુસેનાને 83 વધારાના તેજસ માર્ક 1એ ફાઈટર જેટ મળી રહ્યા છે તો તેનાથી પાકિસ્તાનની બેચેની વધી જાય તે સ્વાભાવિક છે. જ્યારે ભારત આવનારા સમયમાં તેજસ માર્ક 2ને પણ વિક્સિત કરી રહ્યું છે, જે પાંચમી પેઢીની નજીક એટલે કે રાફેલની તાકાત સમાન વિમાન હશે. કહેવાય છે કે ટેક્નોલોજીના મામલે તે રાફેલથી પણ ઉત્કૃષ્ટ હશે.