ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે શાનદાર સદી ફટકારનાર કેપ્ટન શુભમન ગિલ મોટી મુશ્કેલીમાં મુકાયો છે. ICCનો આ નિયમ તોડવા બદલ ...
IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં શરૂ થઈ છે. પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પહેલા જ દિવસે સદી ફટકારી હતી.
યશસ્વી 101 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે શુભમન ગિલ 127 રન બનાવીને અણનમ છે. હવે શુભમન ગિલનું ટેન્શન પહેલા દિવસથી જ વધી રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે ગિલે ICC નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. જેના માટે તેને સજા મળી શકે છે.
શુભમન ગિલ લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે કાળા મોજા પહેરીને રમતા જોવા મળ્યો હતો, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં કાળા નહીં પણ સફેદ મોજા પહેરવાનો નિયમ છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબે આ નિયમ બનાવ્યો હતો જેને ICC દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં લાગુ કરવામાં આવ્યો હતો.
હવે શુભમન ગિલને ICC ડ્રેસ કોડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઈ શકે છે. શુભમન ગિલના કાળા મોજાં પહેરેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, આ બાબતે ICC તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
શુભમન ગિલ ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યા પછી પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ગિલે કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતી વખતે પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સાથે ગિલ હવે વિરાટ કોહલી પછી ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે.