હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વિભાગના એક્સપર્ટ રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયેલો છે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ તથા ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. પવનની ગતિ 40 થી 50 કિ.મી.ની રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે.
અંબાલાલ પટેલે નક્ષત્રો મુજબ આગાહી કરતા કહ્યું કે, 22 જૂને સૂર્ય સવારે આદ્રા નક્ષત્ર પ્રવેશ કરશે. આદ્રા નક્ષણનું પાણી કૃષિ માટે સારું ગણાય છે. 21, 22, 23 જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. આદ્રા નક્ષત્ર બેસ્યા બાદ 2-3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 24થી 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે. તેથી લો લાઈન વિસ્તારમાં સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો સાબરાકાંઠા, પંચમહાલમાં પણ છૂટોછવાયા ભારે વરસાદની શક્યતા છે. મહીસાગરના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. જે બાદ આગામી 24 થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે, તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર વધી શકે છે.