Science News: ભૂસ્તરશાસ્ત્રીઓએ ભારતીય પ્લેટોને બે ભાગમાં વિભાજીત કરવાનો સંકેત આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો એક ભાગ પૃથ્વીના મેન્ટલમાં ડૂબી જવાનો છે. આ પ્રક્રિયા વિસ્તારના ભૂસ્તરશાસ્ત્રીય લેન્ડસ્કેપને ફરીથી આકાર આપી શકે છે.
'અમેરિકન જિયોફિઝિકલ યુનિયન'માં પ્રકાશિત એક સ્ટડી અનુસાર ભારતીય પ્લેટ બે ટુકડાઓમાં વિભાજીત થઈ રહી છે, જે આ વિસ્તારની સમગ્ર ભૂસ્તરશાસ્ત્રીય સ્થિતિને કાયમ માટે બદલી શકે છે.
સ્ટડી અનુસાર લગભગ 60 મિલિયન વર્ષોથી યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહેલ ભારતીય પ્લેટ ડિલેમિનેશન નામની નવી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ પ્રક્રિયામાં પ્લેટનો ગાઢ ભાગ પૃથ્વીના મેન્ટલમાં ડૂબી રહ્યો છે, જેના કારણે પ્લેટની અંદર તિરાડ પડી રહી છે.
ડિલેમિનેશનની પ્રક્રિયા પ્લેટની સ્થિરતાને અસર કરે છે. જેના કારણે આ વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધી જાય છે. યુટ્રેક્ટ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડૌવે હિન્સબર્ગેનના જણાવ્યા અનુસાર, ટેકટોનિક શિફ્ટને અંદરથી ઓપરેટ કરવાની પ્રક્રિયાઓ ઝડપથી બદલાઈ રહી છે. આ સમજવું ખૂબ મુશ્કેલ છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂ-ભૌતિકશાસ્ત્રી સાઈમન ક્લેમ્પરેરે જણાવ્યું કે, હિમાલયની અથડામણ જેવા ઉચ્ચ કમ્પ્રેશનવાળા ક્ષેત્રોમાં ટેકટોનિક પ્લેટો ઘણીવાર તિરાડો દર્શાવે છે. આ તિરાડો પૃથ્વીના પોપડામાં તણાવના નિર્માણને અસર કરી શકે છે, જેનાથી ધરતીકંપનું જોખમ રહે છે.
ડિલેમિનેશનની પ્રક્રિયા આ વિસ્તારમાં ખૂબ જ તણાવમાં વધારો કરી શકે છે, જે વારંવાર મજબૂત ધરતીકંપ તરફ દોરી જાય છે. નિષ્ણાતોના મતે, આ પ્રક્રિયા તિબેટના ઉચ્ચપ્રદેશમાં તિરાડો ઊભી કરી શકે છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે, પ્લેટોના બે ભાગમાં વિભાજિત થવાની પ્રક્રિયાનો આ પ્રારંભિક સંકેત છે. આ અંગે વધુ અભ્યાસની જરૂર પડશે. જેથી આ પ્રક્રિયાની લાંબા ગાળાની અસરોને સંપૂર્ણ રીતે સમજી શકાય.