Junagadh Must visit places in Monsoon: જૂનાગઢ એવું શહેર છે જ્યાં તમને ઐતિહાસિક સ્થળો, મંદિરો, પર્વત, ખળખળ વહેતા ધોધ, જંગલ, વન્યજીવો સહિતના આકર્ષણો એક સાથે જોવા મળે છે. જૂનાગઢ શહેરમાં ફરવાલાયક અનેક સ્થળો છે પરંતુ આજે તમને એવા 2 સ્થળ વિશે જણાવીએ જે ચોમાસાની સીઝનમાં જોવાલાયક હોય છે.
ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો ગિરનારના જંગલમાં આવેલી જગ્યા જટાશંકર ખાતે ઉમટે છે. સાથે જ વરસાદ પછી લોકો પરિવાર સાથે વિલિંગ્ડન ડેમ ખાતે પણ જતા હોય છે. આ બે જગ્યાની સુંદરતા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃતિના રમ્ય નજારાને જોવા લોકો રજાઓમાં આ જગ્યાએ ફરવા જતા હોય છે.
ગિરનારની ગોદમાં જંગલ વચ્ચે બિરાજે છે જટાશંકર મહાદેવ. શ્રાવણ મહિના દરમિયાન અહીં મોટી સંખ્યાંમાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. પ્રાચીન માન્યતા તો એવી છે કે ગિરનારના ચાર ગુપ્ત પ્રવેશ દ્વારમાંથી એક જટાશંકર મહાદેવનું મંદિર છે. આ મંદિર સુધી જવાનો રસ્તો પણ અત્યંત મનોરમ્ય છે.
વરસાદ પછી ગિરનારના ડુંગર પરથી નાના-નાના અનેક ઝરણા વહેતા થાય છે. આવો જ ધોધ જટાશંકર મંદિર નજીક પણ વહે છે. ચોમાસા દરમિયાન જટાશંકરમાં આવેલી આ જગ્યા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. વરસાદ પછી જટાશંકરનો કુદરતી નજારો જોવા લાયક હોય છે.
પ્રકૃતિના સૌંદર્યને માણવાની જૂનાગઢની ખાસ જગ્યા વિલિંગટન ડેમ પણ છે. અહીં લોકો પરિવાર સાથે સમય પસાર કરવા પહોંચે છે. ચોમાસામાં વિલિંગટન ડેમ ઓવર ફ્લો થાય ત્યારે નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. લીલોતરી ઢંકાયેલા જંગલો વચ્ચે આ નજારો જોવાલાયક હોય છે.
શ્રાવણ માસ દરમિયાન આવતી રજાઓમાં સૌરાષ્ટ્રમાં ફરવાનું વિચારતા હોય તો જૂનાગઢની મુલાકત અચૂક લેવી. જૂનાગઢ શહેરમાં ગિરનાર, ભવનાથ મહાદેવ, શક્કર બાગ, અશોકના શીલાલેખ, ઉપરકોટ સહિતની જગ્યાઓ પણ જોવા જેવી છે.