Richest King: થાઈલેન્ડના રાજા મહા વજિરાલોન્ગકોર્ન, જેઓ રાજા રામ 10 તરીકે પ્રખ્યાત છે, તેઓ દુનિયાના સૌથી અમીર રાજા છે. તેમની કુલ સંપત્તિ 3.7 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તેમની પાસે સેંકડો કાર, ડઝનબંધ વિમાનો, સોનાની બોટ અને 4 પત્નીઓ છે.
તમે દુનિયાના અમીર લોકો વિશે સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે એક એવો રાજા પણ છે જેની સંપત્તિની આગળ કરોડપતિઓને પણ નાના લાગે છે? આ રાજા પાસે 38 વિમાન, 300 લક્ઝરી કાર અને 52 સોનાની બોટ છે. જી હા.. તમે બરાબર વાંચ્યું, 52 બોટ જે સંપૂર્ણપણે સોનાની બનેલી છે.
થાઈલેન્ડના રાજા મહા વજિરાલોન્ગકોર્ન, જેઓ રાજા રામ 10 તરીકે પ્રખ્યાત છે, તેમની ગણતરી વિશ્વના સૌથી અમીર રાજાઓમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ અંદાજિત સંપત્તિ લગભગ 3.7 લાખ કરોડ રૂપિયા (લગભગ 43 બિલિયન યુએસ ડોલર) છે.
રાજા વજિરાલોન્ગકોર્નની આ અઢળક સંપત્તિ ફક્ત તેમના અંગત જીવનની ભવ્યતા જ નહીં પણ થાઈ રાજાશાહીની આર્થિક સ્થિરતા અને પ્રભાવને પણ દર્શાવે છે. આધુનિક સમયમાં ઘણા દેશો રાજાશાહીથી આગળ વધી ગયા છે, પરંતુ થાઈલેન્ડમાં રાજાશાહી હજુ પણ ખૂબ જ મજબૂત છે, રાજાની સંપત્તિમાં અસંખ્ય મહેલો, શાહી કાર અને ખાનગી જેટનો સમાવેશ થાય છે, જે તેમની શાહી જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે.
થાઇલેન્ડના રાજાના પાસે બેંગકોક સહિત દેશભરમાં હજારો એકર જમીન છે. તેમની પાસે ફક્ત બેંગકોકમાં જ 17,000થી વધુ મિલકતો નોંધાયેલી છે. જ્યારે સામાન્ય લોકો ઘર ખરીદવામાં પોતાનું જીવન વિતાવે છે, ત્યારે રાજા આખા શહેરોના માલિક છે.
રાજા વજિરાલોન્ગકોર્ન પાસે 52 સોનાની બોટ છે, જે કોઈ શાહી ખજાનાથી ઓછી નથી માનવામાં આવતી. આ બોટનો ઉપયોગ ખાસ કરીને શાહી કાર્યક્રમો અને પરંપરાગત જળ સરઘસો માટે થાય છે. દરેક બોટને સોનાની શાનદાર ડિઝાઇનથી શણગારવામાં આવે છે, જે શાહી વૈભવનું પ્રતીક છે.
રાજા વજિરાલોન્ગકોર્ને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો છે અને તેઓ એક ફાઇટર પાઇલટ પણ છે. તેમણે અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે અને દરેક વખતે તેમનું અંગત જીવન ચર્ચામાં રહ્યું છે. તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ ઘણીવાર મીડિયા હેડલાઇન્સમાં રહે છે.