PHOTOS

Photos : ગુજરાતના આ ગામમાં 400 વર્ષથી ક્યારેય કોઈએ દૂધ વેચ્યુ નથી

 છાશવારે સમાચાર આવતા હોય છે કે, દૂધના ભાવમાં વધારો કરાયો. જેનો સીધો માર તો લોકો પર જ પડે છે. પરંતુ આ સમાચારનો કચ્છના ધોકડા ગામના લોકોને કોઈ ફરક પડતો નથી. કારણ કે, એક પરંપરાને કારણે આ ગામના લોકો ક્યારેય દૂધ વેચતા નથી. આ ગામમાં જેને ઘરે ગાય ન હોય તેવા ઘરમાં પણ ક્યારેય દૂધની તંગી આવતી નથી. આ પાછળ છુપાઈ છે 400 વર્ષ જૂની એક પરંપરા.

Advertisement
1/3

ધોકડા ગામમાં જ્યાં કોઈના ઘેર દુઝણ હોય જ અને ધારો કે ના હોય તો પણ તેને દૂધ વગર તકલીફ પડતી નથી. કારણ કે ગામ લોકો તેઓને દૂધ આપે છે. આ પરંપરા 400 વર્ષથી આ ગામના લોકો પાળે છે. 400 વર્ષ પહેલા બન્યું એમ હતું કે, આ ગામ વસ્યું એ સમયમાં એક બાબા ક્યાંકથી અહી આવ્યા હતા. ત્યારે પાસેના 5-6 ગામની વચ્ચે આવીને તેઓએ બધા જ ગામવાસીઓને પૂછ્યું કે, મારા આટલા નિયમો જે લોકો પાળે તેઓના ગામમાં જ હું રહીશ. તેમણે નિયમોમાં બતાવ્યું કે, અહીં કોઈ દૂધ વેચશે નહી, ઘરનો માળ ચડાવશે નહિ (એટલે કે બે માળનું મકાન બાંધવું નહિ) અને કોઈ શિકાર નહિ કરે. ત્યારે ધોકડામાં રહેતા દરબારો આ બાબાના વચન માટે કટિબદ્ધ બન્યા અને આજે પણ આ કોમી એકતાના મિસાલ રૂપે બાબાના બોલ્યા બોલ ઝીલીને નિયમોનું પાલન કરે છે.

2/3

આ ગામની વસ્તી 500ની છે અને પશુઓની સંખ્યા 250 જેટલી છે. દરબારોના આ ગામમાં ગાયોનું દૂધ કોઈ વેચતું નથી. તેમજ ડબલ માળના મકાન પણ કોઈ બનાવતું નથી. શિકાર પણ કોઈ કરતું નથી. દાદા પીર કે ઓલિયાના વચને બંધાયા પછી અહીં આ બાબતો પર પ્રતિબંધ છે. જેને 400 વર્ષથી નિયમિત પાળવામાં આવે છે તેવું ગામના વૃદ્ધ પોપટભાઈ જાડેજાએ જણાવ્યું. અમૂલ કે અન્ય ડેરીના દૂધના ભાવ ભલે વધે, પણ તેની અસર ધોકડા ગામના લોકો પર ક્યારેય પડતી નથી. કચ્છનું આ એક એવું ગામ છે કે અહીં દૂધ, દહીં કે છાશ વેચાતા નથી. પરંતુ અરસપરસ લોકોને મફત મળે છે. આમ જુઓ તો આમ તો મોટાભાગના દરેકના ઘરે પશુઓ છે, પરંતુ જે લોકોની પાસે નથી તેઓને આ ડેરી પ્રોડક્ટ વેચાતી લેવી પડતી નથી.

Banner Image
3/3

ધોકડા ગામના સરપંચ અજીતસિંહ જાડેજા કહે છે કે, લગભગ ૧૦૦ પરિવારો એટલે ૫૦૦ જેટલા લોકો અહીં રહે છે. આ ગામનો 4૦૦ વર્ષ જુનો ઈતિહાસ છે કે કોઈ બાબાએ ગામમાં આવવા માટે વચન માંગ્યું અને તેઓનું વચન પાળવામાં આવ્યું છે. આજ સુધી દૂધ કોઈ વેચતું નથી. ડબલ માળના મકાન કોઈ બનાવતું નથી અને શિકાર કોઈ કરતું નથી. આમ તો કચ્છ સૂકો પ્રદેશ છે. તેમ છતાં દરબારોના આ ગામમાં મહિલાઓ પણ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. આ મોંઘવારીના કપરા કાળમાં પણ આ લોકો એ જ વારસાગત પરંપરા ચલાવે છે.





Read More