Hanuman Jayanti 2025 : આજે સમગ્ર રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી... દાદાના દર્શન માટે વહેલી સવારથી ઉમટ્યા ભક્તો... રાંચરડામાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળી ભવ્ય યાત્રા... સુવર્ણ વાઘાનો કરાયો વિશેષ શણગાર
સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચૈત્રી પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવણી થઈ રહી છે. સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મંદિરના સંતો દ્વારા ૨૫૦ કિલો કેક કાપી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી. હનુમાન જયંતિ નિમિત્તે દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરાયો છે. મંદિરે મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું છે. ૧૦૦૦ કરતા વધારે ભક્તો યજ્ઞમાં ભાગ લીધો છે. બપોરે દાદાને ભવ્ય અન્નકુટ ધરાવાશે.
હનુમાન જયંતિ નિમિત્તે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરીસર ભકતોથી ઉભરાયું છે. વહેલી સવારથી હજ્જારોની સંખ્યામાં ભક્તો ચાલીને સાળંગપુર આવી રહ્યાં છે.
સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સતત વધી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાન મંદિરે પહોંચી રહ્યાં છે. ત્યારે ભક્તોને હાલાકી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થઈ જશે.