Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. તો 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાના બીજા તબક્કામાં દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાનું અનુમાન છે. આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રના અનુસાર પૂર્વોત્તર અને પૂર્વ ભારતના આસપાસના વિસ્તારો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે.
તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસાના પહેલા તબક્કામાં એટલે કે જૂનથી જુલાઈ વચ્ચે દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ થયો હતો. દરમિયાન દેશનાં અનેક રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
હિમાચલ પ્રદેશમાં સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં જમીન ધસી પડવાથી ૩૦૨ રસ્તા બંધ છે. બીજી તરફ મધ્યપદેશ અને રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ છે. અનેક જિલ્લામાં સ્કૂલો બંધ છે. એમપીનાં ભોપાલમાં 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડયો છે.
રાજ્યનાં કેટલાક જિલ્લામાં 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક સ્થળે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમા ચોમાસાની સીઝનમાં ૨૦ જૂનથી ૩૦ જુલાઈ સુધી 170 લોકોના મોત થયા છે. 278 લોકોને ઈજા થઈ છે. 76નાં માર્ગ અકસ્માતને કારણે મોત થયા છે.
વાદળ ફાટવાથી તેમજ ભૂસ્ખલન અને પુરથી અત્યાર સુધીમાં 1687 કાચા અને પાકા મકાનો તેમજ દુકાનોને નુકસાન થયું છે. 1404 પાળતુ પશુઓના મોત થયા છે. રાજયમાં થયેલા કુલ નુકસાનનો આંકડો 1,59,981.42 લાખ પર પહોંચ્યો છે. રાજસ્થાનનાં 13 જિલ્લામાં તેમજ એમપીનાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનનાં 13 જિલ્લામાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે.