Mount Everest: ગ્લોબલ વોર્મિંગને કારણે ભારત અને તેની આસપાસના દેશોમાં કુદરતી આફતોનું જોખમ વધતું જઈ રહ્યું છે. આબોહવા પરિવર્તન સાથે અહીં પૂર, દરિયાની સપાટીમાં વધારો જેવા અનેક સંકટ તોળાઈ રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાઈ દેશો મોટી કુદરતી આફતના ભય તરફ આગળ વધી રહ્યા છે. બે અબજની વસ્તી આ ખતરાનો ભોગ બનશે. વિનાશની આ આહટ નેપાળમાં દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના બરફના પહાડો (Glacier)ના પીગળવાથી આવનારી છે.
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના રિપોર્ટમાં જણાવાયું છે કે, હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર ખૂબ જ ઝડપથી પીગળી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર માઉન્ટ એવરેસ્ટ પર પણ જાવા મળી રહી છે. કાળઝાળ ગરમીને કારણે અહીં બરફની જાડી ચાદર પીગળી રહી છે. સૌથી મોટો ખતરો અહીંના સૌથી ઊંચા બર્ફીલા ભાગ સાઉથ કોલ ગ્લેશિયર પર જોવા મળી રહ્યું છે. છેલ્લા 30-35 વર્ષોમાં આ ગ્લેશિયર 54 મીટરથી વધારો નાનો થઈ ગયો છે. આનાથી દરિયાના જળસ્તરમાં વધારો અને અન્ય કુદરતી આફતોનો ખતરો તોળાઈ રહ્યો છે.
હિન્દુકુશ હિમાલય ક્ષેત્ર આઠ દેશોમાં ફેલાયેલું છે. વર્ષ 2011 અને 2020ની વચ્ચે અહીંના મોટા ગ્લેશિયર પહેલા કરતા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. આ ગ્લેશિયર 80 ટકા સુધી નાના થઈ શકે છે.
નેપાળમાં યાલા ગ્લેશિયર સૌથી મોટી તબાહી મચાવી શકે છે. 1974થી 45 વર્ષોની વચ્ચે તે તેના કદનો એક તૃતીયાંશ ભાગ ગુમાવી ચૂક્યો છે. એવી આશંકા છે કે, આ ગ્લેશિયર 20-25 વર્ષમાં સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે.
ગ્લેશિયર પીગળવાને કારણે સમુદ્ર અને નદીઓના પાણીનું સ્તર વધવાના કારણે પૂર અને અન્ય આફતો નેપાળની સાથે ભારતના પર્વતો અને મેદાનોમાં તબાહી લાવી શકે છે. અહીં મોટી ડેમો, પુલ અને વીજ પ્રોજેક્ટ્સ બંધ થઈ શકે છે.
હિમાલયના બરફીલા પર્વતો ગંગા જેવી મોટી નદીઓના પાણીનો સ્ત્રોત છે. 200 કરોડથી વધુ વસ્તી આ પાણી પર નિર્ભર છે. ગ્લેશિયર પીગળવાથી ખેતી, વીજળી અને પાણીનો સંકટ ઊભો થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વીજળી અને પાણી પુરવઠાની કટોકટી લોકોની સાથે-સાથે જીવજંતુ, પ્રાણી અને વનસ્પતિઓ માટે ખતરો ઉભો કરશે. બર્ફીલા વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ પહેલાથી જ લુપ્ત થવાના સંકટનો સામનો કરી રહ્યા છે. સમગ્ર હિમાલય ક્ષેત્રની ઇકોસિસ્ટમ બગડી શકે છે.
સિક્કિમમાં આવી જ કુદરતી આફત પહેલા જ જોવા મળી ચૂકી છે. સાઉથ લોનાક તળાવમાંથી ઓક્ટોબર 2023માં ઉછળેલા 20-મીટર ઊંચા મોજાએ ખીણમાં ભારે વિનાશ મચાવ્યો હતો. આમાં 55 થી વધુ લોકોના મોત થયા હતા.