મોહન ડેલકરની ઉંમર 58 વર્ષની હતી. તે દાદરાનગર હવેલી લોકસભા ક્ષેત્રમાંથી અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં મોહન ડેલકરે પહેલીવાર આ સંસદીય ક્ષેત્રમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તે ઘણીવાર અહીંથી સાંસદ બન્યા હતા.
રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. 58 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
તેમને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
તેમની બોડી પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. ઘટનાની જાણ થતાં મુંબઇ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.
તેઓ સાત ટર્મ સુધી સાંસદ રહ્યા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી.
19 ડિસેમ્બર 1962માં મોહન ડેલકરનો જન્મ થયો હતો. કારકિર્દીની શરૂઆત સિલ્વાસામાં ટ્રેડ યુનિયન લીડર તરીકે કરી હતી.
1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી, ત્યારબાદ 1989માં દાદરા નગરહવેલીના સાંસદ તરીકે અપક્ષમાંથી ચૂંટાયા હતા. 1991 અને 1996માં કોંગ્રેસમાંથી સાંસદ બન્યા, 1998માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
2004માં ફરી અપક્ષ સાંસદ બન્યા ત્યારબાદ 4 ફેબ્રુઆરી 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. 2019માં પાર્ટીથી અલગ થયા અને અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને 2020માં જનતા દળ યુનાઈટેડમાં જોડાયા હતા.