Watermelon Farming ધવલ પારેખ/નવસારી : ઉનાળામાં સારી આવક આપતા તરબૂચની ખેતી નવસારીમાં એક સમયે હજાર હેક્ટરથી વધુમાં થતી હતી, આજે 10 ટકા જ રહી ગયેલી ખેતીમાં પણ નવસારીના એંધલના ખેડૂતે પોતાની આગવી સૂઝબૂઝથી પરંપરાગત ખેતીથી અલગ જઈ ઓર્ગેનિક રીતે અલગ ફ્લેવર અને કલરના 5 પ્રકારના તરબૂચ ઉગાડી 4 વીઘા ખેતરમાં લાખોની કમાણી કરી છે.
ઉનાળામાં આકરી ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા તરબૂચ રામબાણ ફળ છે. જેને કારણે ખેડૂતો ઓછા ખર્ચે, ત્રણ મહિનામાં તરબૂચની ખેતી કરી સારી આવક મેળવતા હોય છે. 4 વર્ષ અગાઉ નવસારી જિલ્લામાં અંદાજે એક હજારથી 1500 હેક્ટરમાં તરબૂચ થતા હતા. પરંતુ તરબૂચની ખેતીમાં જીવાતના ઉપદ્રવને કારણે થતા નુકશાનથી બચવા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા, જેને કારણે આજે નવસારી જિલ્લામાં માત્ર 10 ટકા એટલે કે 150 હેક્ટર જમીનમાં તરબૂચની ખેતી થાય છે.
આવી સ્થિતિમાં પણ નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામના ખેડૂત સુનિલ પટેલે પોતાના 4 વીઘાના ખેતરમાં પરંપરાગત તરબૂચથી હટકે તાઈવાનના તરબૂચની જાત પીકુ, યલો, પાઈનેપલ અને ઓરેન્જ આઈસબૉક્સ પ્રકારના નાના તરબૂચ ઉગાડી 50 ટનથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
જેની સાથે સુનિલ પટેલે પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી ડ્રીમ નામથી પોતાના સંશોધનથી તરબૂચની જાત વિકસાવી છે. આ તરબૂચ પરંપરાગત તરબૂચથી અલગ તેના રંગ અને સ્વાદને કારણે છે. સામાન્ય રીતે બજારમાં તરબૂચનું ઉપરનું ફળ લીલું હોય છે અને અંદરનો ગર લાલ અથવા ગુલાબી જેવો હોય છે. પરંતુ સુનિલ પટેલને ત્યાં થતા તરબૂચના અંદરના ગરનો રંગ પણ અલગ હોય છે
સુનિલ પટેલના ખેતરે થતા તાઈવાન તરબૂચ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે અને તેમને જથ્થાબંધ વેચવા માટે વેપારીની શોધ કરવી પડતી નથી. પરંતુ લોકો સીધા તેમના ખેતરે આવી, તરબૂચની મજા માણવા સાથે જ મોટી માત્રામાં લઈ પણ જાય છે. આ તરબૂચમાં મીઠાશ સાથે ખટાશ પણ જોવા મળે છે, જેથી એક સમયે કેરી ખાધી હોય એવો અનુભવ પણ થાય છે, જેથી પાણીથી ભરપૂર આ તરબૂચ લોકોની પસંદ બની રહ્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તરબૂચની ખેતી વધુ થતી હતી. પરંતુ જીવાતને કારણે થતા નુકશાનથી વાંસદા તાલુકાના ખેડૂતો હવે ભીંડાની ખેતી તરફ વળ્યા છે. જોકે નવસારી બાગાયતી વિભાગ દ્વારા ઉનાળામાં સારી આવક અપાતા તરબૂચની ખેતી માટે સબસીડી યુક્ત સહાય પણ આપવામાં આવે છે. જેના થકી ખેડૂતો તરબૂચના વેલાને ઉપરથી કવર કરી તેનો બચાવ કરી શકે.
જિલ્લામાં પરંપરાગત ગોળ તરબૂચથી હટકે વિશાલા, સાગર કિંગ, કિરણ અને નહોરી પ્રકારના તરબૂચ પણ ખેડૂતો કરતા થયા છે. જિલ્લામાં આ વર્ષે 160 હેક્ટરમાં તરબૂચની ખેતી થઈ છે, જે પાછલા વર્ષો કરતા ઘણી ઓછી છે તેવું નવસારીના નાયબ બાગાયત નિયામક દિનેશ પાડલીયાએ જણાવ્યું.
ઉનાળામાં સૌથી વધુ વેચાતા તરબૂચની ખેતીમાં સંશોધન કરી, નવસારીના ખેડૂત સુનિલ પટેલે ફક્ત ત્રણ મહિનામાં જ 10 થી 12 લાખ રૂપિયા, એટલે ખર્ચ કરતા ચાર ગણી આવક મેળવી છે, જે જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક છે.