Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી આપી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, આગામી 5 દિવસમાં ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી આવી છે.
આજની વાત કરીએ તો આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 29 જૂને...કચ્છ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
30 જૂને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર, અમરેલી, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે.
પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે તે ખૂબ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે. જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 27 જૂનથી વરસાદની તીવ્રતા વધશે. મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ધીમે ધીમે ગુજરાત પરથી પસાર થવાનું છે. આ સર્ક્યુલેશન કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. મધ્યગુજરાતમાં થઈ કચ્છ તરફ આગળ વધીને અરબ સાગર અને પાકિસ્તાનમાં જશે. જેને કારણે વરસાદની તીવ્રતા વધી છે. હાલ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા ઓછી હતી, તે તીવ્રતા થોડી વધી છે. 28 અને 29 જૂનના રોજ કચ્છ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વરસદાની તીવ્રતા વધશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધી, તેમજ મોટા ભાગના વિસ્તારોમાં 5થી 7 ઇંચ સુધી વરસાદ પડશે.