મધ્ય પ્રદેશમાં સ્થિત ઓમકારેશ્વર મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં ચોથા સ્થાન પર આવે છે. એવી માન્યતા છે કે અહીં ભગવાન શિવ અને માતા પાર્વતી સૂવા માટે આવે છે. આજે અમે તમને આ જ્યોતિર્લિંગ સંલગ્ન એક ધાર્મિક માન્યતા વિશે જણાવીશું.
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમ આકારના ટાપુ પર આવેલા ઓમકારેશ્વર મંદિરનું વિશેષ મહત્વ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે. ઓમકારેશ્વરમાં ત્રણ પૂરીઓ છે. શિવપૂરી, વિષ્ણુપૂરી, અને બ્રહ્મપૂરી. જેના કારણે અહીં ત્રણ પ્રહરની આરતીનો નિયમ છે.
હિન્દુ ધર્મમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અંગે અનેક માન્યતાઓ છે. આજે અમે તમને કેટલાક રસપ્રદ કિસ્સા જણાવીશું.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઈન્દોરથી લગભગ 80 કિમી નર્મદા નદીના તટ પર એક ઊંચી પહાડી પર આવેલું છે. પહાડીની ચારેબાજુ નર્મદા નદી વહે છે.
આ જ્યોતિર્લિંગ ઓમકાર એટલે કે ઓમ આકારનું છે. આ કારણે આ જ્યોતિર્લિંગને ઓમકારેશ્વર કહે છે. શિવ પુરાણમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગને પરમેશ્વર લિંગ પણ કહે છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિશે એવી ધાર્મિક માન્યતા છે કે બાબા ભોલેનાથ રાત્રે સૂવા માટે અહીં આવે છે. એવું કહેવાય છે કે આ પૃથ્વીનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવ અને પાર્વતી દરરોજ સોગઠાંબાજીની રમત રમે છે.
રાત્રે શયન આરતી બાદ રોજ અહીં ચોપાટ બિછાવવામાં આવે છે અને ગર્ભગૃહ બંધ કરી દેવાય છે. બીજા દિવસે અહીં પાસા વિખરાયેલા જોવા મળે છે.