33 કરોડના ખર્ચે સીજી રોડનું સ્માર્ટ રોડ તરીકે નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સ્ટેડીય છ રસ્તા તરફનો 50 મીટરનો એક તરફનો ભાગ તૈયાર પણ કરી દેવાયો છે.
દેશ-દુનિયાના વિવિધ શહેરોમાં એક એક જગ્યા એવી હોય છે કે જેનાથી જે-તે શહેર ઓળખાય છે. મેગાસીટી અને હવે સ્માર્ટસિટી બનવા જઇ રહેલા અમદાવાદમાં પણ આવી એક જગ્યા છે સીજીરોડ.
વર્ષ 1995 માં તત્કાલીન શાષકો અને અધિકારીઓએ તે સમયની માંગ મુજબ સીજી રોડની ડિઝાઇન બનાવી તેનો અમલ કર્યો હતો. પરંતુ વર્તમાન સમય અને ભવિષ્યની જરૂરીયાતને જોતા હવે આ સીજી રોડની ડિઝાઇનમાં બદલાવ કરવો જરૂરી બન્યો છે.
સતત વધતા ટ્રાફીક અને વાહનોના કારણે તંત્રએ રૂ.33 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છેકે મૂળી સીજી રોડ સ્ટેડીયમ છ રસ્તાથી પંચવટી સુધીનો ગણાય છે.
પરંતુ નવા પ્રોજેક્ટ અંતર્ગત હવે પંચવટી થી આગળ પરીમલ ક્રોસ રોડ સુધી તેને વિકાસવવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટમાં રાહદારીઓને ચાલવા માટે યોગ્ય જગ્યા મળી રહે અને તેમને વાહનોથી ખલેલ ન પડે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
સાથે જ ગ્રીન રોડ અંતર્ગત વર્તમાન વૃક્ષોને ફરીથી ત્યાંજ ઉછેરવા અને નવા વૃક્ષોનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.