India-Pak Conflict: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક અનેક આકરી કાર્યવાહી કરી છે. લેટેસ્ટ નિર્ણયમાં ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગના હાલાત છે. પહેલગામમાં 26 પર્યટકોની હત્યા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં ભર્યા છે. પાકિસ્તાન તરફથી સતત પરમાણુ હુમલાની ધમકી અપાઈ રહી છે.
આ બધા વચ્ચે સિંધ જળ સંધિ સસ્પેન્ડ કર્યા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનની આર્થિક રીતે કમર તૂટી જશે.
ભારત સરકાર તરફથી બહાર પડેલા નોટિસ ટુ એરમેન (NOTAM) હેઠળ ભારતે પાકિસ્તાની વિમાનો અને પાકિસ્તાની એરલાઈન્સ દ્વારા સંચાલિત વિમાનો અને પાડોશી દેશની સેનાના વિમાનો માટે ભારતીય એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કર્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર તરફથી પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક કાર્યવાહી થઈ રહી છે. પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ કરવો એ પાડોશી દેશની કમર તોડવા જેવું ગણવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે NOTAM દ્વારા સ્પષ્ટ કરી દીધુ કે હવે ભારતના એરસ્પેસનો ઉપયોગ પાકિસ્તાનના કોઈ પણ વિમાન માટે શક્ય નથી. આ આદેશ 30 એપ્રિલ 2025થી 23 મે 2025 સુધી લાગૂ રહેશે.
તેમાં પાકિસ્તાની રજિસ્ટર્ડ એરક્રાફ્ટ, પાકિસ્તાનની એરલાઈન્સ દ્વારા સંચાલિત કે ભાડા પર લેવાયેલા વિમાન, અને સૈન્ય વિમાન પણ સામેલ છે. મોદી સરકારના આ નિર્ણય પાછળ સીધો હેતુ પાકિસ્તાન પર દબાણ સર્જવાનો છે જેથી કરીને તે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ કરે.
ભારત સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ભારતે પહેલા જ સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે. અટારી બોર્ડર ચેકપોસ્ટને બંધ કરી છે અને પાકિસ્તાન દૂતાવાસના સ્ટાફમાં પણ કાપ મૂક્યો છે.
અત્રે જણાવવાનું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. જેમાંથી 25 પર્યટકો અને એક સ્થાનિક રહીશ હતા.