આજે વર્લ્ડ નર્સિંગ દિવસ છે. વિશ્વભરની નર્સો હાલ કોરોના મહામારીમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા આજે નર્સિંગ ડે (Nurses Day 2020) ની ઉજવણી કરવામાં આવી હતી. પી.ડી.યુ. નર્સિંગ કોલેજ ખાતે 60 થી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને તમામ નર્સોએ કેન્ડલ સળગાવી હતી. તેમજ તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 થી વધુ નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. આ તમામ નર્સો કોરોનાને કારણે લાંબા સમયથી કામગીરીમાં જોડાઈ ગઈ છે.
નર્સિંગ દિવસને લઇ કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને તબીબો દ્વારા નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો હતો.
કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ અને નર્સિંગ સ્ટાફે વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓએ કહ્યુ હતું કે, ‘અમે તમારા માટે ફરજ બજાવીએ છીએ. તમે લોકો અમારા માટે ઘરે રહો....’
આમ, બોર્ડ પર મેસેજ લખીને પણ તમામ નર્સોએ રાજકોટવાસીઓને સુરક્ષિત રહોનો મેસેજ મોકલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ નર્સ ફ્લોરેન્સના માનમાં આ દિવસ મનાવાય છે, આજે તેમની 200મી જન્મજયંતી છે. આધુનિક નર્સિંગના ફાઉન્ડર ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ ઇટાલીના ફ્લોરેન્સમાં થયો. તેઓ ગણિત અને ડેટામાં જીનિયસ હતા. આ ખાસિયતનો ઉપયોગ તેમણે હોસ્પિટલોની સ્થિતિ અને લોકોનું આરોગ્ય સુધારવા માટે કર્યો હતો.