Rajkot News : રાજકોટમાં ઓનલાઈન ઓર્ડર કરતા ગ્રાહકને કડવો અનુભવ... મેકડોનાલ્ડ્સમાં વેજ બર્ગર ઓર્ડર કરતા મળ્યું નોનવેજ બર્ગર.. ભૂલથી નોનવેજ ખાઈ લેતા યુવકનો વીડિયો વાયરલ..
રાજકોટના રિલાયન્સ મેગામોલમાં આવેલા મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે. એક હિન્દુ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાઈ હોય તેવો કિસ્સો બન્યો છે. કેવલ વિરાણી નામના યુવકે વેજ બર્ગર ઓર્ડર કર્યું હતું, પરંતું વેજ બર્ગરની જગ્યાએ ચિકનવાળું નોનવેજ બર્ગર મોકલી આપ્યું હતુ.
ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મગાવ્યા હતા. જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પાર્સલમાંથી નીકળ્યા હતા. ભૂલથી કેવલ વિરાણીના પરિવારના વ્યક્તિએ એક નોનવેજ બર્ગર ખાઈ લીધું હતું.
આમ, મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારને ધર્મભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ હતી. ભોગ બનનાર ગ્રાહક દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
તો આ ઘટના અંગે મેકડોનાલ્ડના લાઈઝનિંગ ઓફિસર બીપીન પોપટે જણાવ્યું કે, અમે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ. અમારે દરરોજના અનેક ઓર્ડર આવતા હોય છે. અમારા સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કોઈ જ ઈરાદો હોતો નથી. સરકારના વેજ, નનોવેજના નિયમ મુજબ ચાલીએ છીએ. અમે પણ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવીએ છીએ. અમે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું. અમારાથી ભૂલ થઈ માફી માંગીએ છીએ.