ઉત્તર પ્રદેશના અલીગઢના સાસુ અને જમાઈની લવ સ્ટોરી હાલ ખુબ ચર્ચામાં છે. પુત્રીના લગ્ન થવાના હતા અને ગણતરીના દિવસો પહેલા જ ભાવિ જમાઈ સાથે ભાગી જનારા દીકરીના માતાએ ઘરમાં રાખેલા લાખો કેશ અને ઘરેણા પણ સરકાવી લીધા. અલીગઢની પોલીસ હાલ આ બંનેને શોધી રહી છે. લોકેશન ટ્રેસ કરીને પોલીસ તેમની ભાળ મેળવી રહી છે.
આ બધા વચ્ચે મહિલાના પતિ જિતેન્દ્રકુમારે પોલીસને જણાવ્યું કે તેણે જ્યારે ભાવિ જમાઈને ફોન કર્યો હતો તો પહેલા તો તેણે આમતેમ વાતો કરી. પછી બોલ્યો તમારી પત્ની મારી સાથે નથી.
અનેકવાર ફોન કર્યો તો એલફેલ બોલવા લાગ્યો. મહિલાના પતિ જિતેન્દ્રએ કહ્યું કે તેણે પછી સ્વીકાર્યું કે હા તે મારી સાથે છે. તમે તેમની સાથે 20 વર્ષ રહ્યા. હવે તેને ભૂલી જાઓ.
આ અગાઉ મીડિયા સાથે વાતચીતમાં જિતેન્દ્રકુમારે કહ્યું હતું કે મારી પત્નીએ મને સાળીને કંકોત્રી આપવા માટે મોકલ્યો હતો. પુત્રીના 16 એપ્રિલે લગ્ન હતા. આવામાં કાર્ડ આપવા જરૂરી હતા. જ્યારે હું સાળીને કાર્ડ આપીને આવ્યો તો પત્ની ન મળી. થોડા સમય માટે એવું લાગ્યું કે તે કોઈ સંબંધીના ત્યાં ગઈ છે. પરંતુ જ્યારે તપાસ કરી તો કોઈ જાણકારી ન મળતા શક વધ્યો.
જિતેન્દ્રએ કહ્યું કે ફોન ડિટેલ્સ તપાસી તો જાણવા મળ્યું કે પત્ની ભાવિ જમાઈ સાથે કલાકો વાત કરતી હતી. આ મામલે જ્યારે જમાઈને ફોન કર્યો તો તેણે કહ્યું કે તમે 20 વર્ષ રહ્યાં, તમે તેમને પરેશાન કરી નાખ્યા હતા, પરંતુ હવે ભૂલી જાઓ.
બીજી બાજુ છોકરી કે જે લગ્નના સપના સેવી રહી હતી તેની તો હાલત ખરાબ છે. પુત્રીએ કહ્યું કે મારી માતા જે કેશ અને દાગીના લઈને ભાગી ગઈ છે તે મળી જાય, બાકી અમને કોઈ લેવાદેવા નથી. અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સાસુ અને ભાવિ જમાઈનું લોકેશન ઉત્તરાખંડમાં મળ્યું છે. મહિલાના પતિનો આરોપ છે કે ભાવિ જમાઈ દીકરી સાથે વાત નહતા કરતા પરંતુ તેમની પત્ની સાથે 20-22 કલાક ફોન પર વાતો કરતો હતો.