નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી (Narmada River) એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મા રેવા નામે ઓળખાતી આ પવિત્ર નદી વરસાદને કારણે પોતાનું આ રૂપ પણ બતાવી દે છે. ત્યારે પાણી ભરાયેલી નર્મદા નદીનો એરિયલ વ્યૂમાં અનોખો નજારો જોવા મળ્યો છે. ZEE 24 કલાક પર અમે તમને નર્મદા નદીનો આ અદભૂત નજારાની તસવીરો બતાવી રહ્યાં છે નર્મદા નદીના EXCLUSIVE આકાશી દ્રશ્યો જુઓ....
નર્મદા નદીમાં પાણી છોડાતાં 30 જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા છે. નર્મદા નદીના આવા દ્રશ્યો ક્યારેક જ જોવા મળે છે. જ્યારે નદી વરસાદમાં ગાંડીતૂર બને છે ત્યારે ચોતરફ પાણી પાણી કરી દે છે.
ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારો પાણીથી લથપથ બન્યા છે. આકાશી નજારામાં નર્મદા નદીએ સર્જેલી તારાજી સ્પષ્ટ જોઈ શકાય છે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાના નીર 33 ફૂટ પર પહોંચ્યા છે. ઉપરવાસમાંથી હજુ 12 લાખ ક્યુસેક પાણી છોડવાના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. અત્યાર સુથી 3000 લોકોનું જિલ્લાના વિવિધ ગામોમાંથી સ્થળાંતર કરાયું છે. અંકલેશ્વર તાલુકાના એસડીએમ સહિત અન્ય અધિકારીઓએ ગોલ્ડન બ્રિજ પર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભરૂચમાં સતત નર્મદાનું જળસ્તર વધી રહ્યું છે. સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ શહેરમાં નર્મદા બે કાંઠે વહેતી થઈ છે.
નદીમાં પાણી છોડાતાં 30 ગામોને સીધી અસર પહોંચી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં NDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે. તો ભરૂચના ફ્રુજા સહિત 4 વિસ્તારો અસરગ્રસ્ત થયા છે.
તો બીજી તરફ, ચાંદોદમાં નર્મદા નદીના પાણી ભરાતાં લોકોને હાલાકી પડી રહી છે. નાયબ કલેક્ટર દ્વારા યાત્રિકોને ચાંદોદમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, યાત્રિકોને આ વિશે અગાઉથી કોઈ જાણ કરાઈ ન હતી. તેથી દૂર દૂરથી ચાંદોદ આવતા લોકોને ધક્કો ખાવો પડી રહ્યો છે.