Mahashivratri 2025 : મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિ પહેલા મોટું પાપ થયું છે. દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું છે. શિવલિંગ ચોરી થવાની ઘટના હાલ વાયુવેગે પ્રસરી છે. શિવલિંગ ગુમ થતા દ્વારકા પોલીસ મંદિરે પહોંચી છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાધામ હર્ષદ ખાતે દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા છે. શિવલિંગને મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે. શિવલિંગ ગાયબ થવાની ઘટનાથી શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને એસઆરડી જવાનો તાત્કાલિક મંદિરે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહી ગયું હતું. આ મંદિર ઘણું જૂનું અને પૌરાણિક છે, અને સ્થાનિકોમાં તેની ખૂબ જ શ્રદ્ધા છે.
શિવલિંગ ગાયબ થવાની ખબર મળતા જ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં એકઠા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે શિવલિંગ શોધી કાઢવામાં આવે અને ગુનેગારોને સજા કરવામાં આવે.પોલીસ હાલમાં મામલાની તપાસ કરી રહી છે અને શિવલિંગને શોધવાના પ્રયાસો ચાલુ છે. ભક્તો અને સ્થાનિકો પણ પોલીસને સહકાર આપી રહ્યા છે.