Pilavani Festival સંદીપ વસાવા/સુરત : પ્રકૃતિ એ જ જીવન.. આ સૂત્ર શહેરનો માણસ ભૂલ્યો છે, પણ આદિવાસીઓ નહિ. આજે પણ આદિવાસીઓ વૃક્ષ પર નવી કૂંપણો ફુટે તેની ઉજવણી કરતા હોય છે. આ ઉજવણી બતાવે છે કે તેઓ પ્રકૃતિના અસલી રક્ષક છે.
આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી, પ્રકૃતિના બદલાતા રંગ વૃક્ષો વનસ્પતિ પર નવી કૂંપણો ફૂટે ત્યારે શરૂ થતાં જીવનચક્રના ભાગરૂપે પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. કૂળના દેવી દેવતાની પૂજા કરી, પરંપરાગત પરિધાન, વાજિંત્રો, સાથે રેલી યોજી ડુંગર ખાતે જાત્રા કાઢવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાંમાં ઉત્સવમાં જોડાયા.
પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અને પ્રકૃતિ સાથેનો અનેરો નાતો રહ્યો છે. જેના દરેક તહેવારો ખેતીકામ આધારિત હોય છે. વાવણીથી લઈને કાપણી સુધી અને એમનાં બધા જ તહેવારો વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલા હોય છે. જેને ભારતીય સમાજમાં પરંપરા તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલે છે. ત્યારે ત્યારે આદિવાસીઓ પોતાના તહેવારો ઉજવે છે. વૃક્ષો કે વનસ્પતિઓ પર નવી કુપણો ફુટે ત્યારે એક નવાં જીવન ચક્રનું સર્જન થાય છે.
કહેવાય છે કે એક સ્ત્રીને પ્રસૃતિ દરમ્યાન જેટલી પીડા થતી હોય છે. એટલી જ પીડા વૃક્ષોને વનસ્પતિઓને પણ નવપલ્લવિત કૃપણો ફુટે છે ત્યારે થતી હોય છે. પાનખર ઋતુ પુરી થતાં વૃક્ષોને નવી કુંપળ આવે એ દિવસોમાં પીલવણીની ઉજવણી કરવામાં આવે છે. ધરતી પરના સુકાયેલી નદીમાં ઝરણાં ફુટવાની શરૂઆત થાય, ખેડૂતોને ખેતી કામની શરૂઆત કરવાનો સંકેત મળે, નવા ધાન્ય પાકો લેવા માટે ખેતરોની સાફસફાઈની શરૂઆત થાય.
ચારણી ગામના વિપુલભાઈ ચૌધરી કહે છે કે, એક કણમાંથી અનેક કણો પેદા કરી હજારો, લાખો, કરોડો લોકોની ભુખ મટાડવા માટે નવા પાક માટે વાવણી લાયક જમીન તૈયાર કરવાની શરૂઆત કરવામાં ધરતીના તાતને ઉત્સાહ અને આનંદ માટેની શરૂઆત એટલે પીલવણીની ઉજવણી. આટલાં સંવેદનાસભર સંબંધો આદિવાસી ઓનાં પ્રકૃતિ સાથે રહ્યા છે. જેના ભાગરૂપે પિલવણી ઉત્સવ ઉજવવામાં આવે છે
સુરત જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉમરપાડાના ચારણી ગામ ખાતે આદિવાસી પંચ ગુજરાત દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરાય. આદિવાસી સમાજ ના મુખત્વે લોકો પોતાના પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા. ચારણી ગામ ખાતેથી એક ટોપલીમાં વિવિધ પ્રકારના ધાન એકઢા કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં મહુડાનો અર્ક મુકવામાં આવે છે. ગામથી ડુંગર પર આવેલા કુળના દેવી દેવતા સ્થાનક સુધી પરંપરાગત વાજિંત્રો ની તાલબદ્ધતા નાચ ગાન સાથે સાંસ્કૃતિક રેલી સ્વરુપે ગિબદેવની જાત્રા યોજવામાં આવી હતી.
સ્થાનિક આગેવાન કમલેશભાઈ ચૌધરી જણાવે છે કે, હિજારીના સ્વરૂપે લવાતી ટોપલીઓનું ધાન ચઢાવવામાં આવે છે સમાજ ભગતો, પુજારા દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં જ્યારે લોકો રૂઢી ગત પરંપરા ભુલી રહ્યાં છે. ત્યારે સામાજિક અગેવનાઓ પણ સમાજ ની યુવા પેઢી આધુનિકના આવકારે પણ સંસ્કૃતિ સન્માન આપે એવા એક સંદેશ પણ આપી રહ્યા છે.
દિવસ દરમ્યાનથી શરૂ કરવામાં આવેલ આ પીલવણી ઉત્સવ ની ઉજવણી મોડી રાત્રી સુધી ચાલે છે. જેમાં રેલી, જાત્રા, પૂર્ણ થયાં બાદ ઉત્સવ સ્થળે આદિવાસી સમાજના યુવાઓ, વડીલો દ્વારા નાચણું, ગીતો, વાજિંત્રો સહિત ની ક્રુતિ રજૂ કરવામાં આવે છે. તેમજ સમાજ ના અગેવાનો, તજજ્ઞો, વક્તાઓ દ્વારા સંસ્કૃતિ, પરંપરા, રૂઢીગત રીતરિવાજો વિશે માહિતગાર કરાય છે.
સમાજના ભગતો દ્વારા અદિવાસી દેવ કથા કરવામાં આવે છે. આમ આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિ ના બદલાતા રંગ સાથે પિલવણીના નવા વર્ષની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.