Steve Smith Retirement from ODI: ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે અને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે અચાનક ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાંથી ઓસ્ટ્રેલિયાના બહાર થયા બાદ આ સ્ટાર બેટ્સમેને આ મોટો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ સેમીફાઈનલમાં તે ભારત સામે 4 વિકેટે હારી ગયું હતું, જેના કારણે તેની સફર સમાપ્ત થઈ ગઈ હતી અને આ સાથે જ સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીની વર્તમાન સિઝનમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળી હતી, કારણ કે નિયમિત કેપ્ટન પેટ કમિન્સ રમી રહ્યો ન હતો. ભારત સામેની સેમિફાઈનલ આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ સાબિત થઈ. આ 35 વર્ષીય સ્ટાર બેટ્સમેને મેચમાં 73 રનની ઇનિંગ રમી હતી, પરંતુ મેચ જીતી શક્યા નહીં.
સ્મિથ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું ચાલુ રાખશે. તેનો નિર્ણય કદાચ લોસ એન્જલસમાં 2028 ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનવાની તેની ઇચ્છાને દર્શાવે છે, જ્યાં પહેલીવાર ક્રિકેટના 20-ઓવરના ફોર્મેટને સામેલ કરવામાં આવશે.
સ્મિથે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં હાર બાદ તેના સાથી ખેલાડીઓને તેના નિર્ણય વિશે જણાવ્યું અને આજે કહ્યું કે, એવું લાગે છે કે આગળ વધવાનો આ યોગ્ય સમય છે. સ્મિથે આ નિર્ણય વિશે કહ્યું કે તે એક શાનદાર સફર રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. ઘણી અદ્ભુત ક્ષણો અને અદ્ભુત યાદો રહી.
તેણે કહ્યું કે, બે વર્લ્ડ કપ જીતવી એ એક મોટી સિદ્ધિ હતી. હવે લોકો માટે 2027 ODI વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક સારી તક છે. તેથી એવું લાગે છે કે સમય યોગ્ય છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ પ્રાથમિકતા છે અને હું ખરેખર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ, વેસ્ટ ઈન્ડિઝ અને પછી ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે રમવાની રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે આ પ્લેટફોર્મ પર મારે હજુ ઘણું યોગદાન આપવાનું છે.