Jain Samaj Diksha : સુરતના હીરા ઉદ્યોગપતિ પરિવારની બે દીકરી દીક્ષા લેશે... વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજીને બંને બહેનો સંયમના માર્ગે નીકળી પડશે, 9 અને 18 વર્ષની બહેનો આધ્યાત્મિક માર્ગ પર જશે
સુરતનો વધુ એક પરિવાર સંયમના માર્ગે નીકળી પડશે. દેશ-વિદેશમાં ડાયમંડ વેપાર માટે પ્રખ્યાત વોહેરા પરિવારની બે દીકરીઓ દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના હીરા ઉદ્યોગપતિ પરિવારની બે દીકરીઓ દીક્ષા લેશે. સુખી સંપન્ન પરિવારની બે દીકરીઓને વૈભવી જીવન અને કરોડોની સંપત્તિમાં રસ નથી. આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે 9 અને 18 વર્ષની બહેનો દીક્ષા લેશે.
કરોડપતિ પરિવારથી આવનાર આ બે દીકરીઓ સાંસારિક મોહ તેજીને સંયમના માર્ગે ચાલશે. 9 વર્ષીય જૈની અને 18 વર્ષીય હર્ષિ કુમારી 20 નવેમ્બરના રોજ દિક્ષા ગ્રહણ કરશે જ્યારે 19 નવેમ્બરે વરસીદાન યાત્રા નીકળશે. જેના બાદ 20 નવેમ્બરના રોજ ગુજરાતના પાલીતાણા ખાતે સુરતની બે દીકરીઓ દીક્ષા ગ્રહણ કરશે.
સુરતનું હીરા ઉદ્યોગ પરિવાર તરીકે પ્રખ્યાત વોહેરા પરિવાર દેશવિદેશમાં જાણીતું છે. ત્યારે આ પરિવારની બંને દીકરીઓ સંસારને ત્યજીને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. બંને બહેનો વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરવાની છે. પરિવારજનો કહે છે કે, બંને દીકરીઓએ ક્યારેય કોઈ વસ્તુની જીદ કરી નથી. તેઓએ બહારની મોહમાયાવાળા જીવનનુ ક્યારેય કોઈ આકર્ષણ રહ્યુ નથી. તેઓને પહેલાથી જ વૈરાગ્યશતક પસંદ હતું.
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.
જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.