Team India Schedule : ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ પૂરો થઈ ગયો છે, આ પ્રવાસ દરમિયાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી બરાબર રહી હતી. હવે ભારત લગભગ એક મહિના સુધી કોઈ મેચ રમશે નહીં.
Team India Schedule : ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ પૂરો થઈ ગયો છે. શુભમન ગિલની ટીમે આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું. 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી બરાબર રહી હતી, પરંતુ દરેક મેચમાં ભારતનો દબદબો રહ્યો. જો નસીબ સાથ આપત તો પરિણામ 4-0થી આવી શક્યું હોત.
ભારતીય ટીમ જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. પહેલી ટેસ્ટ હાર્યા બાદ ટીમે બીજી ટેસ્ટ જીતી હતી. ત્રીજી ઇંગ્લેન્ડે જીતી તો ચોથી ડ્રો રહી હતી. ભારતે છેલ્લા દિવસે ઓવલ મેદાન પર 5મી ટેસ્ટ જીતી હતી.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ પછી લગભગ એક મહિના સુધી આરામ કરશે. ભારતની હવે ઓગસ્ટમાં કોઈ મેચ નથી. અગાઉ ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની હતી. ત્રણ વનડે સાથે ત્રણ મેચની T20 શ્રેણી પણ યોજાવાની હતી. પરંતુ ગયા મહિને જ BCCIએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે મુલતવી રાખવામાં આવી છે. હવે ભારત આવતા વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.
ભારતીય ક્રિકેટ ટીમ હવે એશિયા કપ 2025માં સીધી મેદાન પર જોવા મળશે. આ ટુર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન T20 ફોર્મેટમાં આયોજિત થશે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમવાની છે.
આ પછી, ટીમ 14મીએ પાકિસ્તાન સાથે ટકરાશે. ભારત 19 સપ્ટેમ્બરે ઓમાન સાથે ટકરાશે. આ પછી સુપર-4 મેચ થશે. ત્યાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની શક્યતા છે.
જો ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો, ભારતીય ટીમ ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ મેચો અમદાવાદ અને દિલ્હીમાં રમાશે. આ પછી, ભારત 19થી 25 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે મેચ રમશે. ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં જોવા મળશે.