India vs England 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. ક્યારેક મેચ ઇંગ્લેન્ડના પક્ષમાં ગઈ તો ક્યારેક ટીમ ઇન્ડિયાનો દબદબો રહ્યો. પરંતુ અંતે ભાગ્યનો સાથ ઇંગ્લેન્ડને મળ્યો. ભારતને મેચમાં માત્ર 22 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં કેટલાક ખેલાડીઓ ભારતની હારના વિલન પણ સાબિત થયા.
પહેલું નામ યશસ્વી જયસ્વાલનું છે કારણ કે યશસ્વી બંને ઇનિંગ્સમાં જોફ્રા આર્ચરની ઝડપી બોલિંગનો સામનો કરી શક્યો નહોતો. જયસ્વાલ પહેલી ઇનિંગ્સમાં માત્ર 13 રન બનાવી શક્યો, જ્યારે બીજી ઈનિંગ્સમાં ખાતું ખોલાવ્યા આઉટ થયો. શરૂઆતની વિકેટોને કારણે ભારતીય ટીમ દબાણમાં દેખાતી હતી.
કરુણ નાયર હારનો સૌથી મોટો વિલન સાબિત થયો છે. નાયરને 6 ઇનિંગ્સમાં તક મળી હતી અને તે હજુ સુધી અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. લોર્ડ્સ ટેસ્ટમાં પણ નાયરના બેટથી રન ના આવ્યા. નાયરે ટીમ ઈન્ડિયાને એવા તબક્કે છોડી દીધી હતી જ્યારે ભારતીય ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. તેણે આ મેચમાં ફક્ત 54 રન બનાવ્યા હતા.
આકાશ દીપ તેની બેટિંગ અને બોલિંગ માટે પણ જાણીતો છે. બીજી ઇનિંગ્સમાં, આકાશ દીપને મોટી અપેક્ષાઓ સાથે નંબર 5 પર મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલી ઇનિંગ્સમાં 7 રન બનાવીને આઉટ થઈ ગયો અને બીજી ઇનિંગ્સમાં એક રન બનાવીને આઉટ થયો હતો. આકાશ દીપની વિકેટ બાદ ભારતીય ટીમ પર દબાણ બમણું થઈ ગયું. જ્યારે આ મેચમાં તે ફક્ત એક વિકેટ જ લઈ શક્યો.
નીતિશ કુમાર રેડ્ડીએ આ સિરીઝમાં એક પણ સારી ઇનિંગ રમી નથી. રેડ્ડીએ આ મેચની પહેલી ઇનિંગમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજા સાથે રેડ્ડી સારી ઇનિંગ રમશે તેવી અપેક્ષા હતી, ત્યારે તે ફક્ત 13 રન બનાવીને આઉટ થઈ ગયો. જેના કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં અટવાઈ ગઈ.
શુભમન ગિલે પણ આ મેચમાં ખૂબ જ શરમજનક પ્રદર્શન કર્યું. સિરીઝમાં 600થી વધુ રન બનાવનાર ગિલે આ મેચની પહેલી ઇનિંગમાં ફક્ત 16 રન અને બીજી ઇનિંગમાં ફક્ત 6 રન બનાવ્યા.