ઉનાળો શરૂ થઈ ગયો છે અને શાળાઓમાં વેકેશન પડી ગયું છે. ગરમીની સીઝનમાં વેકેશન હોવાથી લોકો પરિવાર સાથે ફરવાના સ્થળની મુલાકાત લેતા હોય છે. જો તમે પણ ઉનાળાની રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આજે અમે તમને પાંચ હિલ સ્ટેશન વિશે જણાવીશું, જ્યાં તમે પરિવાર સાથે મજા માણી શકો છો.
જવાહર હિલ્સ: જવાહર હિલ્સ એ સુરતથી નજીક છે અને લગભગ 217 કિમી દૂર છે. આરામ માણવા માટે એક પરફેક્ટ લોકેશન કહી શકાય. મહારાષ્ટ્રમાં આવેલી આ જગ્યાએ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો છે. આર્ટ લવર્સ માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. અહીં ખડ ખડ ડેમ, કઈ માંડવી વોટરફોલ ડાભોસા વોટરફોલ, જય વિલાસ પેલેસ જોવા જેવા સ્થળો છે. સૌથી નજીકનું એરપોર્ટ મુંબઈ છે. જ્યારે રેલવે સ્ટેશન નાસિક પાસે ઈગતપુરી છે.
સૂર્યમલ હિલ્સ: રાઈડ્સ અને રોડ ટ્રિપ ઈચ્છતા લોકો માટે સૂર્યમલ એક આદર્શ જગ્યા છે. તે સુરતથી લગભગ 254 કિમીના અંતરે આવેલું છે. થાણાના મોખડા તાલુકામાં આવેલું એક પરફેક્ટ હોલિડે રીટ્રિટ ડેસ્ટિનેશન છે. આટલી સુંદર જગ્યા હોવા છતાં હજુ પ્રવાસીઓને બહું નજરે ચડેલી નથી. અમરા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી નજીક આવેલી છે જ્યાં તમને ગણી દુર્લભ જાતિના જીવો જોવા મળશે. અહીં કોઈ પણ સમયે આવી શકાય છે પરંતુ ચોમાસામાં નજારો બેસ્ટ હોય છે. ટ્રેકિંગ, બાઈકિંગ, નેચર લવર્સ, એડવેન્ચર અનુભવ ઈચ્છતા લોકો માટે આદર્શ છે. અહીં દેઓબંદ મંદિર, અમરા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, સૂર્યમલ પીક વગેરે જોવા લાયક સ્થળો છે. નજીકનું એરપોર્ટ મુંબઈ છે જ્યારે રેલવે સ્ટેશન ઈગતપુરી છે.
માઉન્ટ આબુ: માઉન્ટ આબુ વિશે તો કોણ નહીં જાણતું હોય. અમદાવાદથી તે 293 કિમી દૂર છે. રાજસ્થાનમાં આવેલું આ હિલ સ્ટેશન ગુજરાતીઓને ખુબ મનગમતું છે. માઉન્ટ આબુ ઓશન ઓફ ધ ડેસર્ટ નામથી પણ જાણીતું છે. અહીં ફરવા લાયક ઘણા સ્થળો છે. કોઈ પણ ઋતુમાં અહીં આવી શકાય છે. ખાસ કરીને લોકો હનીમૂન પર આવતા હોય છે. આ ઉપરાંત ધાર્મિક પ્રવાસે પણ આવતા હોય છે. અહીં માઉન્ટ આબુ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, અચલગઢ ફોર્ટ, નક્કી લેક, ગુરુ શિખર, ધ્રુધીયા વોટરફોલ જોવા લાયક સ્થળો છે.
લોનાવાલા હિલ્સ: પુણે જિલ્લામાં આવેલું લોનાવાલા હિલ્સ પણ મહારાષ્ટ્રનું લોકપ્રિય હિલ સ્ટેશન છે. લોનાવાલાનો અર્થ જોઈએ તો ગુફાઓની હારમાળા એમ થાય. સુરતથી તે 351 કિમીના અંતરે આવેલું છે. અહીંની ચિકી ખુબ પ્રખ્યાત છે. લોનાવાલા મુંબઈ, પુના અને ગુજરાતથી નજીક છે એટલે પ્રવાસીઓનો મારો રહેતો હોય છે. તેની નજીક બીજુ એક હિલ સ્ટેશન છે ખંડાલા. લોનાવાલા આવનારા ખંડાલા પણ જતા હોય છે. અહીં ચોમાસામાં ફરવાની મજા આવે આ ઉપરાંત ઓક્ટોબરથી મે મહિનાનો સમય આદર્શ કહી શકાય.
સાપુતારા હિલ્સ: સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કહી શકાય. જે અમદાવાદથી 401 કિમીના અંતરે છે. સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. ગાઢ જંગલો અને આદિવાસી વિસ્તાર છે. પાર્ક્સ, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, એડવેન્ચર્સ એક્ટિવિટીઝ, મ્યુઝિયમ, થિયેટર્સ વગેરેની મજા માણવા માટે બેસ્ટ જગ્યા છે. અહીં તમે ગમે તે ઋતુમાં આવી શકો છો. અહીં રોઝ ગાર્ડન, મહેલ સાપુતારા, વાંસડા નેશનલ પાર્ક, સાપુતારા લેક, રોપવે વગેરે સ્થળોની મજા માણી શકો છો. સુરત અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે. વઘઈ રેલવે સ્ટેશન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.