લોકસભા ચૂંટણી 2019માં આ વખતે અનેક નવા સાંસદો ચૂંટાઈને આવ્યા છે, કેમ કે પાર્ટીઓ દ્વારા આ વખતે અનેક જૂના સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી. સંસદમાં આ વખતે ગ્લેમર પણ જોવા મળશે, કેમ કે આ વખતે ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓની ચૂંટાવાની સંખ્યા વધુ છે અને સાથે જ અનેક નવી પેઢીના યુવા સાંસદો પણ ચૂંટાઈને આવ્યા છે
પશ્ચિમ બંગાળમાં સત્તામાં રહેલી તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલી નુસરત જહાં અને મિમિ ચક્રવર્તીની આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. તેમના અગાઉ બનાવેલા વીડિયો અને ફિલ્મોની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
મિમી ચક્રવર્તી પશ્ચિમ બંગાળની જાધવપુર સીટ પરથી ચુંટાઈ છે, જ્યારે નુસરત જહાં બશીરહાટ સીટ પરથી ચૂંટાઈને સંસદ પહોંચી છે. તેમણે સંસદ ભવન પહોંચીને પોતાના આઈડન્ટીટી કાર્ડ સાથે ફોટો ખેંચાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ બંને અભિનેત્રીને સંસદ ભવનમાં વેસ્ટર્ન ડ્રેસમાં પહોંચવા અંગે ટ્રોલ કરવામાં આવી રહી છે.
મિમીને લોકો દ્વારા કરવામાં આવેલી આ ટીકાની કોઈ ચિંતા નથી. મિમીની મેનેજર રુદ્રદીપ બેનરજીએ જણાવ્યું કે, મિમી આવી ટીકાઓને કોઈ મહત્વ આપતી નથી. નુસરત જહાંનો ફોન પર સંપર્ક કરાયો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.
મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મો અને ટેલિવીઝનનું જાણીતું નામ છે. ફિલ્મોમાં આવતા પહેલાં તેણે મોડેલિંગ પણ કર્યું છે. મિમી ચક્રવર્તીની ડેબ્યુ ફિલ્મ 'બપી બારી જા' હતી, જે 2012માં રિલીઝ થઈ હતી.