Tuvalu Climate Crisis: પેસિફિક મહાસાગરમાં આવેલો આ નાનો દેશ હવે જલવાયુ પરિવર્તનનું સૌથી પીડાદાયક ચિત્ર બની રહ્યો છે. સમુદ્રનું વધતું સ્તર ધીમે ધીમે આ દેશને ડૂબાવી રહ્યું છે.
પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનું ટાપુ રાષ્ટ્ર તુવાલુ, જલવાયું પરિવર્તનને કારણે સમુદ્રના સ્તરમાં વધારો થવાથી ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.
નાસાના વૈજ્ઞાનિકોના મતે, તુવાલુની સરેરાશ ઊંચાઈ ફક્ત 2 મીટર છે, અને છેલ્લા 30 વર્ષોમાં સમુદ્રનું સ્તર 6 ઇંચ (15 સેન્ટિમીટર) વધ્યું છે, જે વૈશ્વિક સરેરાશ કરતા 1.5 ગણુ વધારે છે.
તુવાલુમાં લગભગ 11,000 લોકો રહે છે, જેમાંથી 60% વસ્તી રાજધાની ફુનાફુટીમાં રહે છે.
નાસાના વૈજ્ઞાનિકોના મતે 2050 સુધીમાં ફુનાફુટીનો અડધો ભાગ સમુદ્રમાં ડૂબી શકે છે. અહીંના લોકો વરસાદી પાણીના સંગ્રહ અને ઊંચા સ્થળોએ બાગકામ જેવા પગલાં દ્વારા જલવાયુ પરિવર્તનની અસરોનો સામનો કરી રહ્યા છે.
તુવાલુએ જલવાયુ પરિવર્તનની અસરોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ તરફ પગલાં લીધાં છે. 2023માં તુવાલુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક ઐતિહાસિક જલવાયુ અને સુરક્ષા સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે દર વર્ષે 280 તુવાલુ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરવાની મંજૂરી આપશે.
આ ઉપરાંત તુવાલુ દરિયાઈ સપાટીમાં વધારો થવા છતાં તેની દરિયાઈ સીમાઓ જાળવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદામાં સુધારો કરવા માટે કામ કરી રહ્યું છે.
નાસાના વૈજ્ઞાનિકોના મતે આગામી 30 વર્ષોમાં તુવાલુ, કિરિબાતી અને ફિજી જેવા પેસિફિક ટાપુ દેશોમાં ઓછામાં ઓછા 6 ઇંચ (15 સેન્ટિમીટર) સમુદ્રનું સ્તરમાં વધારો થશે, જે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કોઈપણ બદલાવ વગર થશે. આનાથી આ દેશોમાં ભરતી-ઓટના પૂરની ઘટનાઓમાં વધારો થશે, જેના કારણે દરિયાકાંઠાના સમુદાયો પર ગંભીર અસર પડશે.
તુવાલુની પરિસ્થિતિ જલવાયુ પરિવર્તનને કારણે નાના ટાપુ દેશો દ્વારા સામનો કરવામાં આવતા ગંભીર પડકારોનું પ્રતીક છે. સમુદ્રના સ્તરમાં વધારો, દરિયાકાંઠાના પૂર અને જમીનની અછત જેવા મુદ્દાઓ આ દેશોના અસ્તિત્વ માટે જોખમી છે.
આ સમસ્યાઓનું સમાધાન ફક્ત રાષ્ટ્રીય પ્રયાસો દ્વારા જ શક્ય નથી, તેના માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, જલવાયુ પરિવર્તન પ્રત્યે જાગૃતિ અને નક્કર નીતિઓની જરૂરત છે.