Unjha Lakshachandi Mahayagya Live: 10 લાખ પાટીદારોના ઘરે આમંત્રણ પત્રિકા દ્વારા ઉમિયા માતાજીનું તેડુ મોકલવામાં આવ્યું છે. આજથી ઉંઝાના ઉમિયા ધામમાં પટેલોનો પાવર બતાવતો મોટો મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે 800 વીઘા જમીનમાં લક્ષચંડી મહોત્સવ માટે ખાસ ઉમિયાનગર ઉભું કરાયું છે. ત્યારે હાલ ઉંઝા જતા દરેક માર્ગે મા ઉમિયાનો જયઘોશ બોલાવાઈ રહ્યો છે. ઉંઝા જતો દરેક રસ્તો ઉમિયામય બની ગયો છે. આખા રસ્તે માનવમહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે.
18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસમાં અનેક કલાકારો, ગાયકો સ્ટેજ પર પરફોર્મન્સ પણ આપશે. સાથે જ તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સાંજના સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉમિયાધામ આવશે અને મા ઉમિયાના આશીર્વાદ લેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરના રોજ હાજર રહેશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજરી આપશે. 800 વિઘા જમીનમાંથી 300 વિઘા જમીન પર 80 ફૂટ જેટલી યજ્ઞ શાળા તેમજ બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિગ, વીઆઈપી પાર્કિગ મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ઘર દીઠ દીવો અને 11 હજાર પાટલા તેમજ અતિથિ દેવોની ભવની ભાવના આકર્ષણનું કેન્દ્ર છે.
મહોત્સવમાં અંદાજે 50 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. ત્યારે ભક્તો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ છે.
ઉમિયાનગરથી ઉમિયા માતા મંદિર જવાનો રસ્તા પર તમે લોકોની ભીડ જોઈ શકો છો.
મા ઉમિયાના સમગ્ર મહોત્સવનો એરિયલ વ્યૂ
ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે 22 કલાક ખુલ્લું રહેશે. સવારે 3-30 થી 5-30 સુધી માતાજીનો શણગાર કરાશે. મા ઉમિયાના દર્શન માટે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યાં છે.
લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
આ ઉત્સવમાં હાજરી આપવા જગદગુરુ શંકરાચાર્ય પણ પહોંચી ગયા છે. ઉમિયા માતાના દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ પ્રકારની ભીડ એકઠી ન થાય. દર્શન માટે લાઇનમાં ઊભા રહેવા ઉમિયાબાગ, ઐઠોર ચોકડી પાસે જવું પડશે.
250 સીસીટીવી કેમેરાથી ઉમિયાનગર સહિત સમગ્ર શહેરને કવર કરાયું છે. ડ્રોનથી લેવાયેલી મહોત્સવની ભવ્યતાની તસવીર જુઓ.
મહોત્સવ માટે 30 ફૂટ ઊંચા ગરબા ગબ્બરની રચના કરાઈ, જેમાં 3ડી ટેકનોલોજી દ્વારા મા ઉમા પ્રગટ થશે. મા ઉમિયાના ભક્તો માટે આ લ્હાવો ખાસ બની રહેશે.
આ મહોત્સવમાં 5.60 લાખ યાત્રિકો રોજ દર્શન કરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરાઈ છે. જેના માટે 1600 સ્વયંસેવકોની ફોજ ખડેપગે તૈયાર રહેશે.