8th Pay Commission : કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર મોટો ઘટાડો હોઈ શકે છે, જેનાથી કર્મચારીઓના વાસ્તવિક પગારમાં બઉ ઓછો વધારો થઈ શકે છે.
8th Pay Commission : 33 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 66 લાખથી વધુ પેન્શનરો 8મા પગાર પંચના અમલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ કર્મચારીઓ તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા રાખી રહ્યા હોય, તો તેઓ નિરાશ થઈ શકે છે.
કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલ સૂચવે છે કે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.8 હોઈ શકે છે, જે વાસ્તવિક પગારમાં લગભગ 13 ટકાનો વધારો તરફ દોરી શકે છે. ખાનગી પોર્ટલના એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.
એમ્બિટ કેપિટલના અગાઉના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 2025 માં પૂરા થતા વર્તમાન 7મા પગાર પંચમાં પગારમાં 14.3% નો વધારો જોવા મળ્યો હતો. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર લગભગ 1.8 હોઈ શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અથવા પેન્શનમાં વાસ્તવિક વધારો સંપૂર્ણપણે કમિશન દ્વારા ભલામણ કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર અથવા ગુણક પર આધાર રાખે છે.
ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્મચારીના હાલના મૂળભૂત પગાર પર નવા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચમાં 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો માસિક લઘુત્તમ મૂળભૂત પગાર 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થયો હતો.
એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ એ નથી કે કર્મચારીઓના પગારમાં 2.57 ગણો વધારો થશે. આ ફિટમેન્ટ ફેક્ટર મૂળભૂત પગાર પર લાગુ પડે છે અને તે જ વધારો થાય છે.
જો આપણે અગાઉના પગાર પંચમાં વાસ્તવિક પગારમાં વધારાની વાત કરીએ તો, બીજા પગાર પંચમાં 14.2 ટકા, ત્રીજા પગાર પંચમાં 20.6 ટકા, ચોથા પગાર પંચમાં 27.6 ટકા, પાંચમા પગાર પંચમાં 31 ટકા, છઠ્ઠા પગાર પંચમાં 54 ટકા અને સાતમા પગાર પંચમાં 14.3 ટકાનો વધારો થયો છે.