Litchi Farming In Gujarat નિલેશ જોશી/ વલસાડ : વલસાડ જિલ્લામાં કેરી અને ચીકુ જેવા પાકોમાં કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે થતા નુકસાનથી બચવા હવે પ્રગતિશીલ ખેડૂતોએ અન્ય બાગાયતી પાકનો વિકલ્પ શોધી રહ્યા છે. ત્યારે વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારના ખેડૂતોએ લીચીના પાકની ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે. બે પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ માત્ર મહાબળેશ્વર અને કેટલાક ઠંડા પ્રદેશમાં થતા લીચીની સફળ ખેતી કરી છે. જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યા છે.
વલસાડ જિલ્લો અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રની હદના વિસ્તારમાં ખેડૂતો મોટે ભાગે બાગાયતી પાકોની ખેતી કરે છે .જેમાં કેરી અને ચીકુ મુખ્ય પાક છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કેરી અને ચીકુના પાકમાં કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે નુકસાન થઈ રહ્યું છે. આથી હવે વિકલ્પ તરીકે ખેડૂતોએ અન્ય બાગાયતી પાકોની ખેતીના પ્રયોગ શરૂ કર્યા છે. ત્યારે ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા બોરડી ગામમાં બે પ્રગતિશીલ ખેડૂત બંધુઓ લીચીની ખેતી કરી રહ્યા છે.
લીચીની ખેતી માત્ર મહાબળેશ્વર કલકતા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં જ જોવા મળે છે. જોકે વર્ષો પહેલા આ ખેડૂત પરિવાર દ્વારા આ વિસ્તારમાં લીચીના છોડ લગાવ્યા. જતીન કાંકરિયા અને સચિન કાંકરિયા નામના બે ભાઈઓએ આજે 2 એકર વિસ્તારમાં લીચીના 50 જેટલા છોડ લગાવી તેને ખેતી કરી રહ્યા છે. અને તેમાં તેમને સફળતા પણ મળી રહી છે.
આ ખેડૂત બંધુઓ માટે લીચીની ખેતી ફાયદાકારક પૂરવાર થઈ રહી છે. લીચીનો પાક વર્ષમાં 1 વખત લેવાય છે અને ઉનાળામાં લીચીની ખૂબ માંગ રહે છે. પાણી અને પોષક તત્વોથી ભરપૂર લીચીનું ફળ લોકોની પસંદ છે. ત્યારે નંગ પ્રમાંણે ઊંચા ભાવે લીચી બજારમાં વેચાય છે અને તેની માંગ પણ વધુ હોય છે. આથી આ કાંકરિયા ખેડૂત બંધુઓ બે એકર વિસ્તારમાં લીચીના માત્ર 50 ઝાડ પરથી વર્ષે 10 લાખથી વધુની આવક મેળવે છે.
સચિન કાંકરિયા કહે ચે કે, લીચીના પાકની માવજત પણ મહેનત માગી લે છે. લીચીના ઝાડ પર ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે અન્ય પશુ પક્ષીઓથી તેને રક્ષણ આપવું જરૂરી છે. પક્ષીઓ આ ફળનો બગાડ કરે છે. આથી તેને બચાવવા ખેડૂતોએ આખા ઝાડને જાળથી ઢાંકી દીધા છે. જેથી અંદર લીચીના ફળ સુરક્ષિત રહે છે.
આ ખેડૂત બંધુઓની સફળતાને કહાની નિહાળવા આસપાસના વિસ્તારના ખેડૂતો પણ આ લીચી ફાર્મની મુલાકાત લેતા થયા છે. આ પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની કહાનીથી પ્રેરણા લઈ રહ્યા છે.
વર્તમાન સમયમાં ખેતીમાં પણ આધુનિકતા આવી રહી છે. ખેડૂતો અત્યાર સુધી જે તે વિસ્તારના એક કે બે પરંપરાગત મુખ્ય પાક પર જ નિર્ભર રહેતા અને પરંપરાગત જ ખેતી કરતા હતા. જોકે હવે પ્રગતિશીલ ખેડૂતોએ આધુનિકતા સાથે કદમ મિલાવી અને સમયની માર્ગ પ્રમાણે ખેતીના પ્રયોગો શરૂ કર્યા છે. અને તેમાં ખેડૂતોને સફળતા મળી રહી છે. ત્યારે માત્ર ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકોના વિસ્તારમાં હવે આ ખેડૂત બંધુએ લીચીની ખેતી શરૂ કરી છે. અને તેમાં તેમને સફળતા પણ મળી રહી છે. ત્યારે અન્ય ખેડૂતો પણ પોતાના પરંપરાગત પાકની સાથે વધારે આવક રળી આપતા આવા અન્ય પાકોને વિકલ્પ બનાવી તેની પણ ખેતી શરૂઆત કરે તો માત્ર એક પાક પર જ નિર્ભરતા દૂર થાય અને અન્ય પાકોમાંથી પણ આવક મેળવી શકાય છે.