Conman Marriage Fraud: શું કોઈ વ્યક્તિ 105 વખત લગ્ન કરી શકે છે અને તે પણ 14 અલગ-અલગ દેશોની મહિલાઓ સાથે? આ કહાની કોઈ ફિલ્મની નથી પણ એક શાતિર ઠગની છે, જે 32 વર્ષમાં પોતાની ઓળખ બદલીને ડઝનબંધ મહિલાઓને પોતાના જાળમાં ફસાવતો રહ્યો.
દુનિયામાં અજીબોગરીબ મામલાઓ સામે આવતા રહેતા હોય છે, પરંતુ અમેરિકાના જિયોવાન્ની વિગલિયોટોનો આ મામલો ખરેખર આશ્ચર્યજનક અને હેરાન કરી દેનારો છે. આ શખ્સનું નામ તેની એક અનોખી હરકતના કારણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ થયું હતું.
તેમણે 1949 થી 1981 દરમિયાન 105 મહિલાઓ સાથે છૂટાછેડા લીધા વિના લગ્ન કર્યા અને દરેક વખતે તેમને જુદા-જુદા વચનો આપીને ફંસાવીને ઠગાઈ કરતો હતો..
તેણે અમેરિકા ઉપરાંત 14 દેશોના 27 વિસ્તારોમાં અલગ-અલગ ઓળખ બનાવીને લગ્ન કર્યા. દરેક વખતે તે નવું નામ, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતો અને થોડા સમય માટે પોતાની ઓળખ ડોક્ટર, બિઝનેસમેન કે વિદેશી તરીકે આપતો હતો.
લગ્ન કર્યા બાદ તે ઘણીવાર મહિલાઓના ઘરેણાં, રૂપિયા, કિંમતી વસ્તુઓ લઈને રહસ્યમય રીતે ગાયબ થઈ જતો હતો. ઘણી મહિલાઓને ખબર પણ નહોતી કે તેમના પતિ પહેલાથી જ બીજે ક્યાંક લગ્ન કરી ચૂક્યા છે.
જિયોવાન્ની વર્ષો સુધી પોલીસથી બચી ગયો, પરંતુ 1981માં તેની પત્ની શેરોના ક્લાર્કે તેને શોધવાની હિંમત એકઠી કરીને તેને ટ્રેક કરવાનું શરૂ કર્યું.
ઘણા મહિનાઓની તપાસ પછી 28 ડિસેમ્બર 1981ના રોજ પોલીસે જિયોવાન્નીની ધરપકડ કરી. ધરપકડ કરતી વખતે તેણે પોતાને "નિકોલાઈ પેરુસ્કોવ" કહીને છેતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછીથી જાણવા મળ્યું કે, તેનું સાચું નામ ફ્રેડ ઝિપ છે અને તેનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો.
કોર્ટે તેના ગુનાઓ ગણ્યા અને તેને 34 વર્ષની જેલ અને 336,000 ડોલર દંડની સજા ફટકારી. તેને એરિઝોના સ્ટેટ જેલમાં કેદ કરવામાં આવ્યો હતો, જ્યાં 1991માં બ્રેન હેમરેજને કારણે તેનું મૃત્યુ થયું.
આ કહાનીથી જાણવા મળે છે કે, સત્ય એક દિવસ સામે આવી જ જાય છે, કોઈ ગમે તેટલું ચાલાક કેમ ન હોય. આ ઘટના આપણને શીખવે છે કે સંબંધોમાં વિશ્વાસ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. નકલી ઓળખ અને પ્રેમમાં છલ મહિલાઓ પર ભારે સાબિત થઈ અને આખરે સમાજની નજરમાં ચેતવણી બની ગઈ.