Bone Cancer Symptoms: હાડકાનું કેન્સર એક દુર્લભ સ્થિતિ છે. જેમાં દર્દીને કેન્સર વિશે ઘણી વખત ખૂબ જ મોડી ખબર પડે છે. તેનું કારણ છે કે મોટાભાગના લોકો હાડકાના કેન્સરના લક્ષણોને સામાન્ય દુખાવો ગણીને અવગણે છે. હાડકાના કેન્સરની શરૂઆત થાય ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેને ઓળખીને તુરંત સારવાર શરૂ કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે. આ લક્ષણો કયા છે ચાલો જાણીએ.
હાડકાના કેન્સરની શરૂઆત થઈ હોય તો હાડકામાં સતત દુખાવો રહે છે. સામાન્ય રીતે આ દુખાવો રોજિંદા કામ કરતી વખતે થાય છે પછી ધીરે ધીરે આ દુખાવો રાતના સમયે વધવા લાગે છે. કેન્સરના કારણે થતો દુખાવો સામાન્ય રીતે સાથળ, પિંડી અને ખભાના હાડકામાં તીવ્ર રીતે અનુભવાય છે.
હાડકાના કેન્સરમાં હાડકા નબળા પડી જાય છે. જેના કારણે નાની મોટી ઇજા દરમિયાન પણ ફ્રેક્ચર થવા લાગે છે. આ સિવાય કેન્સરના ટ્યુમર સેલ્સની આસપાસ સોજો અને રેડનેસ પણ દેખાવા લાગે છે.
હાડકામાં કેન્સર વધતું હોય તો વ્યક્તિને સતત થાકનો અનુભવ થાય છે. પૂરતી ઊંઘ કર્યા પછી પણ શરીર થાકેલું લાગે છે અને નબળાઈનો અનુભવ થાય છે.
હાડકાના કેન્સરની શરૂઆતમાં વ્યક્તિને વારંવાર તાવ આવે છે. કોઈ કારણ વિના વારંવાર તાવ આવવો હાડકાના કેન્સરની શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે. તાવ આવવાની સાથે દર્દીનું વજન અચાનક જ ઘટવા લાગે છે.