Home Loan Benefits: હોમ લોન નિઃશંકપણે લોકોને ઘણી સુવિધા આપે છે, પરંતુ તે એક મોટી જવાબદારી પણ છે જે લાંબા સમય સુધી ચૂકવવી પડે છે. એટલા માટે તે લોકોને પરેશાન કરવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે હોમ લોન માત્ર એક બોજ નથી, તેના ઘણા ફાયદા પણ છે. આ ફાયદાઓને ઘણા શ્રીમંત લોકો ખૂબ સારી રીતે સમજે છે અને તેથી કરોડો રૂપિયાના માલિક હોવા છતાં તેઓ ઘર ખરીદવા માટે બેન્કમાંથી હોમ લોન લે છે. જો તમે પણ આ ફાયદાઓ જાણો છો તો હોમ લોન ક્યારેય બોજ જેવી નહીં લાગે.
સૌથી પહેલો ફાયદો ઈનકમ ટેક્સમા જોવા મળે છે. હોમ લોનની મદદથી જો તમે ઘર ખરીદો છો, તો તમે દર વર્ષે લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો. વર્તમાન નિયમો મુજબ ઈનકમ ટેક્સ એક્ટની કલમ 24(b) હેઠળ વ્યાજ ચુકવણી પર દર નાણાકીય વર્ષમાં 2 લાખ રૂપિયાની છુટ મળે છે. પ્રિન્સિપલ અમાઉન્ટ રીપેમેન્ટ પર કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છુટ મળે છે. જો કો-એપ્લિકેન્ટની મદદથી હોમ લોન લેવામાં આવે છે, તો બન્ને અરજદારો અલગ-અલગ ટેક્સ બેનિફિટ મેળવી શકે છે અને કુલ રૂ. 7 લાખ સુધીનો ટેક્સ બચાવી શકે છે.
હોમ લોન મંજૂર કરતા પહેલા બેન્કો પ્રોપર્ટીના ટાઇટલ અને રેકોર્ડ તપાસે છે જેથી ખાતરી કરી શકાય કે તેના પર કોઈ વિવાદ નથી. કાનૂની ચકાસણી દ્વારા બધા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે, આ ખાતરી કરે છે કે મિલકત બીજા કોઈના કબજામાં નથી. આ ઘર ખરીદનાર માટે ખૂબ ફાયદાકારક છે અને તેને ખાતરી આપવામાં આવે છે કે તે જે મિલકત ખરીદી રહ્યો છે તે વિવાદિત નથી.
પર્સનલ લોન કે અન્ય કોઈપણ લોન કરતા હોમ લોન સસ્તી હોય છે. તાજેતરમાં RBIએ બે વખત રેપો રેટ ઘટાડ્યો છે, જેના કારણે હોમ લોન પણ સસ્તી થઈ છે. આગામી દિવસોમાં આ વધુ સસ્તી થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવા પર તમારી મોટી બચત ખર્ચવાને બદલે સારા વ્યાજ દર સાથે હોમ લોન લઈને ઘર ખરીદવું વધુ સારું છે. આનાથી તમને મિલકત મળશે અને તમારી બચત પણ થશે. આ વિચારીને લોકો રૂપિયા હોવા છતાં હોમ લોન લઈને ઘર ખરીદે છે. તમે તમારી બચત નિવૃત્તિ ભંડોળ અને ભવિષ્યની અન્ય જરૂરિયાતો માટે બચાવી શકો છો અથવા તેને એવી જગ્યાએ રોકાણ કરી શકો છો જે તમને મોટો નફો આપશે.
હોમ લોન પર તમે ટોપ-અપ લોનનો લાભ મેળવી શકો છો. ટોપ અપ હોમ લોન એ એક પ્રકારની પર્સનલ લોન હોય છે, જે તમને ઓછા વ્યાજ દરે મળે છે. ટોપ-અપ હોમ લોન ચૂકવવા માટે પણ ઘણો સમય હોય છે કારણ કે તેનો સમયગાળો તમારા હોમ લોનના સમયગાળા પર આધારિત છે. આનો અર્થ એ છે કે તમે તમારી હોમ લોન ગમે તે મુદતમાં ચૂકવી શકો છો, પછી ભલે તે 10, 15, 20 વર્ષ હોય. આમાં કોઈપણ પ્રકારનો હિડેન ચાર્જ નથી હોતો. જો તમે સેમી-ફર્નિશ્ડ અથવા જૂનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હોય, તો તમે તમારા હોમ લોન પર તેના આંતરિક ભાગ અથવા નવીનીકરણ માટે સરળતાથી ટોપ-અપ લોન લઈ શકો છો.
જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો તમે સમયસર હોમ લોન ચૂકવીને તેને સુધારી શકો છો. જો હોમ લોન માટે કો-એપ્લીકેન્ડ એક મહિલા હોય તો તમને થોડા સસ્તા દરે લોન મળે છે. તમામ બેન્ક મહિલા કો-એપ્લિકેન્ટ હોય પર 0.05 ટકા ઓછા વ્યાજ દરે લોન આપે છે. જો તમે આ લોન લાંબા સમય સુધી ચાલુ રાખવા માંગતા ન હોવ તો તમે તેને સમય પહેલાં બંધ કરી શકો છો. હોમ લોન ચુકવણીની શરતો ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે. આમાં તમને પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝરની સુવિધા મળે છે. પ્રીપેમેન્ટ કરવાથી તમારા CIBIL પર પણ સકારાત્મક અસર પડે છે કારણ કે તે બેન્કને સંદેશ આપે છે કે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ સારી છે.