Home> Spiritual
Advertisement
Prev
Next

શરૂ થઈ રહી છે નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા, આ રહી ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવની તમામ માહિતી

Narmada Parikrama : આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે... પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી
 

શરૂ થઈ રહી છે નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા, આ રહી ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવની તમામ માહિતી

Narmada Parikrama : ગુજરાતમાં વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ 6 કિમી સુધી ઉત્તર દિશામાં વહે છે અને તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે, જેનું વિશેષ માહાત્મ્ય છે. આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે. 

fallbacks

પરિક્રમાર્થીઓની સુવિધા માટે પૂરજોશમાં તૈયારીઓ
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, તે ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની  સુવિધાઓ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 14 કિલોમીટરની સમગ્ર પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો ભક્તો માટે ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

યાત્રાધામ બોર્ડ પરિક્રમાર્થીઓની સેવામાં ખડેપગે
નર્મદા પરિક્રમાર્થીઓની આસ્થાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવેલ છે. બોર્ડ દ્વારા આ તમામ ઘાટો પર મોટી સાઇઝના મંડપો, ખુરશી, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ માટે મંડપ, પીવાના પાણીની સુવિધા, સીસીટીવી કેમેરા, ચેતવણી બોર્ડ, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, વૉચ ટાવર, ફૂડ સ્ટોલ તથા સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેવી જ રીતે સમગ્ર પરિક્રમા માર્ગ પર લાઇટિંગ, સાઇનેજિસ, કચરાપેટી, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ટૉયલેટ યુનિટ, ઇમર્જન્સી કામગીરી માટે જેસીબી, હિટાચી, ક્રેન, દોરડા જેવી મશીનરી તથા વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા યોજાય છે
સમગ્ર વિશ્વમાં 1.50 લાખ, ભારતમાં 400 અને ગુજરાતમાં અંદાજે 185 નદીઓ છે. ભારતના દૃષ્ટિકોણથી જોઇએ, તો આપણા દેશમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે. સૌથી પવિત્ર ગંગા નદી પર આવેલ ગંગા-યમુના-સરસ્વતી (અદૃશ્ય)ના ત્રિવેણી સંગમ પર તો મહાકુંભ મેળો યોજાય છે, પરંતુ ગુજરાત-ભારત સહિત વિશ્વમાં નર્મદા સિવાય કોઈ પણ નદીની પરિક્રમા નથી યોજાતી.

એકમાત્ર નર્મદા નદી જ એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે છે, પરંતુ નર્મદા નદીના દર્શનમાત્રથી મુક્તિ મળે છે. એટલા માટે જ લાખો લોકો નર્મદાનાં ઉદ્ગમ સ્થળ અમરકંટકથી સમુદ્ર સંગમ સ્થળ ખંભાતના અખાત સુધીની નર્મદા પરિક્રમા કરે છે. આ નર્મદા પરિક્રમા માર્ગ લગભગ 2624 કિલોમીટરનો હોય છે.

જોકે જે શ્રદ્ધાળુઓ આટલી લાંબી પરિક્રમા નથી કરી શકતા, તેથી તેઓ નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી યાત્રા કરીને પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા કરવાથી પણ સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More