India vs Pakistan: એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાનની ટક્કર 14 સપ્ટેમ્બરના રોજ થવાની છે. ભારતીય ટીમનો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈ ભારતના ઘણા પૂર્વ ક્રિકેટરોએ કહી ચૂક્યા છે કે, ભારતે પાકિસ્તાન સામે કોઈ ક્રિકેટ મેચ ન રમવી જોઈએ. હવે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અશોક ડિંડાએ કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં ન રમવું જોઈએ.
'બન્ને દેશ રમતા રહે, પરંતુ...'
પૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ડિંડાનું માનવું છે કે, ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં ન રમવું જોઈએ. એશિયા કપ-2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મેચ રમાનારી છે, પરંતુ અશોક ડિંડા ઇચ્છે છે કે, પાકિસ્તાનનો દરેક સ્તરે બહિષ્કાર કરવામાં આવે. પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, "હું એક ખેલાડી તરીકે ઇચ્છું છું કે બન્ને દેશો રમતા રહે. બન્ને દેશો વચ્ચે સારો સંપર્ક હોવો જોઈએ, પરંતુ હું પહેલા એક ભારતીય નાગરિક છું. જે રીતે પાકિસ્તાન વારંવાર આપણા પર હુમલો કરી રહ્યું છે, તે રીતે આપણે આ દેશ સાથે કોઈ સંબંધ ન રાખવા જોઈએ. આપણે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ. દરેક સ્તરે તેનો બહિષ્કાર કરવો જોઈએ."
Black Moneyની પછી માર્કેટમાં આવ્યું Red અને Pink Money, જાણો શું છે આ ત્રણેયમાં તફાવત?
પૂર્વ કેપ્ટને પણ કરી બહિષ્કારની માંગ
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે' લીધી હતી, જ્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની ટાઈમિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અઝહરુદ્દીને કહ્યું કે, "દેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં આપણે આ મેચ ન રમવી જોઈએ. આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેનાથી દરેક વ્યક્તિ વાકેફ છે." અઝહરુદ્દીને ભાર મૂક્યો કે, જો રમતગમતના સંબંધો ચાલુ રાખવા હોય તો પછી સિલેક્ટિવ ન હોવા જોઈએ. તેમણે કહ્યું કે, "જો આપણે રમવું જ છે, તો આપણે દરેક રમત રમવી જોઈએ, ફક્ત પસંદગીયુક્ત નહીં."
'જ્યાં સુધી સરહદી તણાવ ઓછો ન થાય...'
પૂર્વ ક્રિકેટરે સ્પષ્ટતા કરી કે, આ તેમના વ્યક્તિગત વિચારો છે અને અંતિમ નિર્ણય સરકાર અને BCCIએ લેવાનો છે. તેમણે કહ્યું કે, "આખરે સરકાર જ નક્કી કરશે કે આપણે રમવું જોઈએ કે નહીં. બોર્ડ, સરકાર અને BCCI દ્વારા લેવાયેલ નિર્ણય અંતિમ રહેશે." તેમણે વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી, આપણે આગળ વધવું જોઈએ નહીં. આપણે પાકિસ્તાન સાથ ક્રિકેટ સંબંધ ત્યા સુધી ન બનાવવા જોઈએ, જ્યાં સુધી રાજકીય અને સરહદી તણાવ ઓછો ન થઈ જાય."
એક જ ગ્રુપમાં ભારત-પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાનને 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાનારી T20 ટુર્નામેન્ટના ગ્રુપ 'A' માં મૂકવામાં આવ્યા છે. શેડ્યૂલ મુજબ, બન્ને ટીમો વચ્ચે લીગ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો આ ટીમો ગ્રુપ સ્ટેજમાંથી આગળ વધે તો ભારત 21 સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથે બીજી મેચ પણ રમી શકે છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાનનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે