ઓમાનઃ ભારતના આકાશદીપ સિંહને ચેમ્પિયન્સ ટ્રોફીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો પરંતુ ભારે વરસાદને કારણે ફાઇનલ મેચ રદ્દ થવાને કારણે કટ્ટર હરીફ પાકિસ્તાન અને ભારતને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
વરસાદને કારણે મેચમાં વિલંબ થયો પરંતુ વરસાદ રોકાયા બાદ મેચ રમવાની સ્થિતિ ન હોવાને કારણે ટૂર્નામેન્ટના ડાયરેક્ટરે મેચ રદ્દ કરીને બંન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરી હતી.
ભારતને ટોસ જીતવામાં બાજી મારી અને પ્રથમ વર્ષ ટ્રોફી તેની પાસે રહેશે. આગામી વર્ષે પાકિસ્તાનની પાસે આ ટ્રોફી જશે. ભારતને ટ્રોફી મળવાને કારણે ટૂર્નામેન્ટના ગોલ્ડ મેડલ પાકિસ્તાની ખેલાડીઓને આપવામાં આવ્યા. એશિયન હોકી મહાસંઘના મુખ્ય કાર્યકારી દાતો તૈયબે કહ્યું કે, ભારતીય ખેલાડીઓને જલ્દી ગોલ્ડ મેડલ મોકલવામાં આવશે.
આકાશદીપને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અને પી આર શ્રીજેશને સર્વશ્રેષ્ઠ ગોલકીપર પસંદ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના અબુ બાકર મહમૂદને સર્વશ્રેષ્ઠ ઉભરતા ખેલાડી તરીકેને એવોર્ડ આપવામાં આવ્યો હતો. મલેશિયાના ફૈસલ સારીએ સૌથી વધુ ગોલ કર્યો હતો.
ભારત રાઉન્ડ રોબિન સ્ટેજમાં એકપણ મેચ હાર્યા વિના 13 પોઈન્ટની સાથે ટોપ પર રહ્યો હતો. ભારતે ચાર મેચ જીત્યા હતા અને એક મેચ ડ્રો રહ્યો હતો. પાકિસ્તાન 10 પોઈન્ટની સાથે બીજા સ્થાને રહ્યું હતું. ભારતે રાઉન્ડ રોબિન લીગમાં પાકિસ્તાનને 3-1થી હરાવ્યો હતો. મલેશિયાએ જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભુવનેશ્વરમાં 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલા વિશ્વકપ પહેલા ભારત અને પાકિસ્તાનનો આ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હતો. ભારત બે વખત પહેલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. પાકિસ્તાન 2012, 2013માં ટાઇટલ જીત્યું હતું અને 2011 અને 2016માં રનર્સઅપ રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે