ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ICC પેનલ ઓફ ઇન્ટરનેશનલ અમ્પાયર્સના સભ્ય બિસ્મિલ્લાહ જાન શિનવારીનું નિધન થયું છે. શિનવારીના અંતિમ સંસ્કાર મંગળવારે નંગરહાર પ્રાંતના અચીન જિલ્લામાં કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, તેમના પરિવારમાં પાંચ પુત્રો અને સાત પુત્રીઓ છે.
શિનવારીની કારકિર્દી
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ અનુસાર, શિનવારીએ 34 ODI, 26 T20I, 31 ફર્સ્ટ ક્લાસ, 51 લિસ્ટ A અને 96 ડોમેસ્ટિક T20 મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયર તરીકે તેમનું ડેબ્યૂ ડિસેમ્બર 2017માં થયું હતું. તેમણે શારજાહમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની ODI મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.
36 નહીં પણ 39 રન...T20 ઇન્ટરનેશનલની સૌથી મોંઘી ઓવર, 29 વર્ષીય બેટ્સમેને રચ્યો ઇતિહાસ
સર્જરી માટે પાકિસ્તાન ગયા હતા
બિસ્મિલ્લાહ જાન શિનવારીના ભાઈ સૈયદા જાને ન્યૂઝ આઉટલેટને જણાવ્યું હતું કે, "તેઓ બીમાર પડ્યા હતા અને પેટની ચરબી દૂર કરવા માટે પેશાવર ગયા હતા. તેમને થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે ઓપરેશન પછી સાંજે 5 વાગ્યે તેમનું અવસાન થયું. અમે તેમના મૃતદેહને રાતોરાત તોરખમ દ્વારા પરત લાવ્યા અને તેમને અચીનમાં અમારા પૂર્વજોના કબ્રસ્તાનમાં દફનાવી દીધા."
જય શાહે શોક વ્યક્ત કર્યો
ICC પ્રમુખ જય શાહે બિસ્મિલ્લાહના અવસાન પર શોક વ્યક્ત કર્યો. ICC દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં, તેમણે કહ્યું, "રમતમાં તેમનું યોગદાન ખૂબ જ મોટું હતું અને ક્રિકેટ સમુદાય તેમને ખૂબ જ યાદ કરશે. અમે આ ક્ષતિથી ખૂબ જ દુઃખી છીએ અને તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ."
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શું કહ્યું ?
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ અમ્પાયરને શ્રદ્ધાંજલિ આપી. તેમના X હેન્ડલ પર એક પોસ્ટમાં, તેઓએ લખ્યું, "અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર અફઘાન ક્રિકેટ સમુદાય પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ તેમને જન્નતમાં ઉચ્ચ સ્થાન આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પ્રિયજનોને ધીરજ અને શક્તિ આપે. બિસ્મિલ્લાહ જાન શિનવારી હંમેશા અમારા દિલ અને વિચારોમાં રહેશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે