નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે વર્ષ 2019ની શાનદાર શરૂઆત કરી છે. તે આ વર્ષે બે ટૂર્નામેન્ટ રમી છે, તેમાંથી એકમાં ટાઇટલ જીત્યો તો બીજામાં સેમીફાઇનલ સુધીની સફર કરી હતી. સાઇનાના પૂર્વ કોચ વિમલ કુમારનું માનવું છે કે તે માનસિક રૂપથી દેશની સૌથી મજબૂત બેડમિન્ટન ખેલાડી છે અને તેણે આટલા લાંબા કરિયરમાં દરરોજ ઈજામાંથી બહાર આવીને વાપસી કરી છે.
સાઇના નેહવાલ ગત વર્ષના અંતમાં ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેના કરિયરને લઈને સવાલ કરવામાં આવતા હતા, પરંતુ તે વાપસી કરવામાં સફલ રહી છે. સાઇનાએ રવિવારે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. એક સપ્તાહ પહેલા તે મલેશિયા માસ્ટર્સના સેમીફાઇનલ સુધી પહોંચી હતી.
2014થી 2017 સુધી સાઇનાના કોચ રહેલા વિમલે કહ્યું, તે (સાઇના) માનસિક રૂપથી સૌથી મજબૂત છે. પુરૂષ ખેલાડીઓ કરતા પણ વધુ મજબૂત. તે કોર્ટ પર વધુ વિચારતી નથી. સાઇનાને તેનાથી ફેર પડતો નથી કે તેને દુખાવો થઈ રહ્યો છે. તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિરોધીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે.
વિમલ કુમારનું માનવું છે કે કૈરોલિના મારિન અને વિશ્વની નંબર એક ખેલાડી તાઈ જૂ યિંગ ઈજાગ્રસ્ત હોવાથી સાઇના અને પીવી સિંધુની પાસે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતવાની સૂવર્ણ તક છે. તેમણે કહ્યું, ઈન્ડોનેશિયામાં મળેલી જીતથી સાઇનાના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. તેનાથી તેને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતવામાં મદદ મળશે.
વિમલ કુમારે કહ્યું, કૈરોલિનાને ઈજામાંથી બહાર આવતા પાંચ છ મહિના લાગશે. કૈરોલિના અને તાઈ જૂ પ્રબળ દાવેદાર હતી. હવે સાઇના સિંધુની પાસે સૂવર્ણ તક છે. માર્ચમાં 29 વર્ષની થવા જઈ રહેલી સાઇના ટોપ-10માં સૌથી મોટી ઉંમરની ખેલાડી છે. વિમલનું કહેવું છે કે, તેણે ફોર્મને જાળવી રાખવા માટે ચતુરાઇ પૂર્વક પ્રેક્ટિસ કરવી પડશે.
વિમલ કુમારે કહ્યું, તે ઘણીવાર ઈજાનો ભોગ બની છે. હું ઓલમ્પિકમાં તેની સાથે હતો. તે સારી તૈયારી કરી રહી હતી અને અચાનક ઈજા થઈ. તેણે વાપસી કરી તે માટે તેને શ્રેય આપવો જોઈે. હવે તેણે ચતુરાઇથી તૈયારી કરવી પડશે કારણ કે આગામી વર્ષે ઓલમ્પિક છે. આટલુ દૂરનું ન વિચારે તો ઓલ ઈંગ્લેન્ડમાં ટાઇટલ પર ધ્યાન આપવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે