નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સીરિઝની છેલ્લી અને ત્રીજી T20માં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર સાથે એક હાસ્યાસ્પદ ઘટના બની હતી. શ્રીલંકાની બેટિંગ દરમિયાન બોલ વેંકટેશ અય્યરના પ્રાઈવેટ પાર્ટમાં વાગ્યો હતો. જોકે સદનસીબે મોટી ઈજામાંથી બચી ગયો હતો. જોકે તેમ છતાં વેંકટેશ અય્યરે એક શાનદાર કેચ પકડ્યો હતો પરંતુ મેદાન પર પ્રાઈવેટ પાર્ટ પર વાગવાથી તે જમીન પર બેસી ગયો હતો. આ દ્રશ્ય જોઈને હર્ષલ પટેલ ગભરાઈ ગયો હોય તેવું તેના મોઢા પરથી દેખાઈ રહ્યું હતું.
વેંકટેશ અય્યરને કેચ પકડતી વખતે આ ઈજા થઈ હતી. અય્યરે શ્રીલંકાના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલનો કેચ પકડ્યો હતો. આ દરમિયાન બોલ તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. જોકે, અય્યરે હિંમત બતાવી અને કેચ છોડ્યો નહીં. આ બધુ કેમેરામાં કેદ થઈ ગયું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
— Addicric (@addicric) February 27, 2022
આ રીતે વાગ્યો વેંકટેશને બોલ
આ સમગ્ર ઘટના શ્રીલંકાની ઇનિંગ્સની 13મી ઓવરમાં બની હતી. ઓવર ફાસ્ટ બોલર હર્ષલ પટેલે કરી હતી. તેનો પહેલો જ બોલ ઓફ-સ્ટમ્પ પર આવ્યો, જેના પર ચાંદીમલ બેકફૂટ પર ગયો અને હવામાં કટ શોટ રમ્યો. આ બોલ સીધો પોઈન્ટ પર ઉભેલા વેંકટેશ ઐયરના હાથમાં ગયો હતો. અય્યરે બોલને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ હાથને અથડાઈને સીધો પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. આ દરમિયાન અય્યરને થોડી ઈજા થઈ અને તે દર્દથી કણસતો રહ્યો હતો.
અય્યરે કેચ પકડ્યા બાદ જશ્ન મનાવ્યો, પરંતુ પીડાને કારણે તરત જ જમીન પર બેસી ગયો. આ દરમિયાન વેંકટેશ સતત હસતો જોવા મળ્યો હતો. થોડી વારમાં બધું બરાબર થઈ ગયું અને અય્યર ફરીથી ફિલ્ડિંગ માટે તૈયાર થઈ ગયો. જો ઈજા ગંભીર હોત તો વેંકટેશને બહાર જવાની જરૂર પડી હોત.
વેંકટેશ બેટિંગમાં કમાલ કરી શક્યો નહોતો
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 5 વિકેટે 146 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 89 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વેંકટેશ 5માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચની જેમ અહીં પણ શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. વેંકટેશ 4 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. સિક્સર ફટકારવાના ચક્કરમાં તે લાહિરુ કુમારાના બોલ પર કેચ આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે