નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યા બાદ રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપને જીવનદાન મળી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂનથી ઓગસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં રોહિત જ કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યારબાદ રોહિત શર્મા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. સિડની ટેસ્ટમાં તો રોહિતે ખુદ બહાર બેસવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં બુમરાહે ટીમની કમાન સંભાળી હતી.
બીસીસીઆઈનું સમર્થન
હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિતને બીસીસીઆઈનું સમર્થન મળ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે બોર્ડ અને પસંદગીકારોએ રોહિતને વધુ એક મોટા પ્રવાસ પર કેપ્ટન તરીકે મોકલવાનો નિર્ણય લીધો છે. બોર્ડનું કહેવું છે કે રોહિતે સાબિત કરી દીધું કે તે શું કરી શકે છે. બધાને લાગે છે કે ઈંગ્લેન્ડના પ્રભાવ પર તે ભારતનું નેતૃત્વ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે. રોહિતે હજુ ટેસ્ટ ક્રિકેટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ભારતના ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ખેલાડીની દુ:ખદ આપવીતી, ખુલ્યું ચોંકાવનારું રહસ્ય
રોહિત નહીં થાય નિવૃત્ત
આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિતે ખુદ કહ્યુ હતું કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી. પરંતુ જ્યારે તેને 2027 વનડે વિશ્વકપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાની યોજનાનો ખુલાસો કર્યો હતો. રોહિતે કહ્યું કે હું સારૂ રમી રહ્યો છું. હું ટીમની સાથે જે કરી રહ્યો છું, તેમાં મજા આવી રહી છે. ટીમને પણ મારી સાથે સારૂ લાગી રહ્યું છે. આ ખૂબ સારી વાત છે. હું હજુ 2027ને લઈ કઈ કહી શકું નહીં, કારણ કે તેમાં લાંબો સમય છે. પરંતુ મેં મારા માટે બધા વિકલ્પો ખુલા રાખ્યા છે.
ટીમ ન છોડવાની કહી વાત
રોહિતે આગળ કહ્યું કે આ વસ્તુથી મને ખુશી મળે છે. તેમાં ઘણી વસ્તુ સામેલ છે. જે રીતે ટીમ રમી રહી છે, અમને ખૂબ ગર્વ છે. હું ટીમ છોડવા ઈચ્છતો નથી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રોહિતે ખુદને સિડની ટેસ્ટથી અલગ કરી લીધો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે આ કરિયરનો એક ખરાબ સમય છે જે લાંબો ચાલશે નહીં. તે સમયે ત્રણ ટેસ્ટ મેચમાં રોહિતનો બેસ્ટ સ્કોર 0 રન હતો. તો તેણે પોતાની છેલ્લી અડધી સદી ઓક્ટોબર 2024માં લગાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે