Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરેથી SOG પોલીસે 1.39 કરોડની માતબર રકમ જપ્ત કરી કાર્યવાહી કરતાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. તુષાર આરોઠે પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તે જોઈએ.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને પૂર્વ રણજી ક્રિકેટર તુષાર આરોઠેને તેના પુત્ર રિશી આરોઠેએ નાસિકથી પી.એમ આંગડિયા મારફતે 1.39 કરોડ રૂપિયા રોકડા મોકલ્યા, જે અંગેની બાતમી SOG પીઆઇને મળતા તેમણે અલકાપુરી વિસ્તારમાં આવેલ પી એમ આંગડિયા પાસે વોચ ગોઠવી હતી. આંગડીયા પેઢી પર રૂપિયા આવી જતા સાંજના સમયે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પી એમ આંગડિયા પર રૂપિયા ભરેલો થેલો લેવા પહોંચ્યો હતો. પોલીસ તુષાર આરોઠેનો પીછો કરી તેના ઘરે પહોચી અને ઘરે બે બેગમાં તપાસ કરતાં 1.39 કરોડ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જે બાબતે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની SOG પોલીસે પૂછપરછ કરતાં તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે રોકડ રૂપિયા જપ્ત કરી તુષાર આરોઠેની અટકાયત કરી.
પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પાસેથી 1.39 કરોડમાંથી 38 લાખ રૂપિયા લેવા આવનાર પુણેના બે સાગરીતોની પણ પોલીસે અટકાયત કરી. બંને સાગરીતો એક હોટલમાં રોકાયા હતા. જ્યાં SOG પોલીસ પહોચી બંનેની તપાસ કરી હતી. તેમની પાસેથી 38 લાખ રોકડા મળતાં બંને શખ્સોની પોલીસે ધરપકડ કરી. પોલીસે પુણેના વિક્રાંત એકનાથ રાયપતવાર અને અમિત છગનરાવ જળીતની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી.
મહત્વની વાત છે કે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેને તેના પુત્રએ આંગડિયાથી આટલી મોટી માતબર રકમ મોકલી હતી. જેથી પોલીસે રિશી આરોઠેને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રિશી આરોઠે અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયેલો છે. જેથી આ નાણાં ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ કરી છે.
રિશી આરોઠેએ તેના પિતાને 1.39 કરોડમાથી રૂપિયા તેમના ભાગના રાખી બાકીના લોકોને આપવા માટેની વાત કહી હતી, જેથી પોલીસ હવે રૂપિયા કોને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે. હાલમાં તો આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની પોલીસ કોઇ માહિતી નહીં કઢાવી શકી પણ રિશીની પૂછપરછ બાદ જ વધુ ખુલાસાઓ થઈ શકે છે.
કોણ છે અમરીશ ડેર : પાટીલ કેમ હતા તલપાપડ, ચૈતર વસાવા બાદ આપના ઉમેશ મકવાણા ટાર્ગેટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે