દુબઈઃ 29 જાન્યુઆરી 1981ના જેફ હોવર્ટની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડે બેન્સન એન્ડ હેઝેસ વિશ્વ સિરીઝ કપની પ્રથમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 78 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ આ બંને દેશોની ટીમોની 16 નોકઆઉટ મેચોમાં ટક્કર થઈ છે અને તેમાં દર વખતે ઓસ્ટ્રેલિયા જીત્યું છે. હોવર્ટ બાદ જેરેમી કોને, જેફ ક્રો, જોન રાઇટ, માર્ટિન ક્રો, ઇયાન સ્મિથ, કેન રધરફોર્ડ, લી જર્મન, સ્ટીફ ફ્લેમિંગ, ડિયોન નૈશ, ડેનિયલ વિટોરી, રોસ ટેલર, બ્રેન્ડન મેક્કુલમ, ટોમ લાથમ કીવી કેપ્ટન બનીને જે ન કરી શક્યા, તેને કરવાની તક કેન વિલિયમસન પાસે છે. બંને ટીમોએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 12-12 ખેલાડીઓને તક આપી છે અને સુપર-12ની માત્ર એક મેચ ગુમાવી છે. હવે સૌથી મોટો સવાલ છે કે 40 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડની ટીમ જે ન કરી શકી તે રવિવારે ટી20 વિશ્વકપના ફાઇનલમાં થશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન કરશે? ભારતીય સમયાનુસાર મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
બંને ટીમો ફોર્મમાં
ટી20 વિશ્વકપની ટ્રોફી બંને ટીમો અત્યાર સુધી જીતી શકી નથી, તો એટલું તો નક્કી છે કે દુનિયાને ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં નવો ચેમ્પિયન મળશે. બંને ટીમોએ પોતાનો સેમીફાઇનલ મુકાબલો જે અંદાજમાં જીત્યો હતો, તેને જોતા વધુ એક ધમાકેદાર મેચની આશા કરી શકાય છે. ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ટીમ રહી છે. ટીમે સેમીફાઇનલમાં ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર મનાતી ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ પણ શાનદાર બેટિંગ કરી હતી. માર્ટિન ગુપ્ટિલનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20માં રેકોર્ડ ખુબ સારો છે અને તેનો ઓપનિંગ જોડીદાર ડેરિલ મિશેલ પણ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ફાઇનલમાં રમવા ઈચ્છશે.
કેપ્ટન કેન વિલિયમસન પાસે મોટી ઈનિંગની રાહ જોવાઈ રહી છે અને રવિવારે તેની પાસે સારી તક છે. નીશામે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મધ્ય ક્રમમાં પોતાનું મહત્વ સાબિત કર્યુ હતું, પરંતુ ડેવોન કોન્વે બહાર થતાં ન્યૂઝીલેન્ડને ઝટકો લાગ્યો છે. કોન્વેના સ્થાને સિફર્ટ રમશે. ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટની અનુભવી ફાસ્ટ બોલિંગ જોડી પાસે ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી પર લગામ લગાવવાની જવાબદારી હશે.
એડમ મિલ્નેએ પણ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે સારૂ કામ કર્યુ છે, જ્યારે લેગ સ્પિનર ઈશ સોઢી મધ્ય ઓવરોમાં પ્રભાવશાળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ટી20 વિશ્વકપની ફાઇનલ રમી રહ્યું છે. જો તે જીતે તો ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક નવો અધ્યાય જોડાશે.
સ્પિનરથી બચવુ પડશે
2020ની શરૂઆતી ઓસ્ટ્રેલિયન બેટરોની ટી20માં લેગ સ્પિનર વિરુદ્ધ એવરેજ 14ની છે. સેમીફાઇનલમાં શાદાબ ખાને ચાર વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધુ હતું. કીવી લેગ સ્પિનર ઈશ સોઢી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 મેચોમાં 12.7ની સ્ટ્રાઇક રેટથી 16 વિકેટ ઝડપી ચુક્યો છે. તો ફિન્ચ અને સ્ટોઇનિસને ત્રણ-ત્રણ વાર આઉટ કર્યા છે. વોર્નરે તો સોઢીની માત્ર આઠ બોલ રમી છે અને બે વખત આઉટ થયો છે. તો મિશેલ સેન્ટરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 95 બોલ પર માત્ર 93 રન આપ્યા છે અને 5 વિકેટ લીધી છે. માત્ર મિશેલ માર્શે તેની સામે 120થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ લય પકડી
હંમેશા ચેમ્પિયન મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ટાઇટલની દાવેદાર નહોતી. વોર્નર-ફિન્ચ ફોર્મમાં નહોતા, ટીમનું મનોબળ નીચે હતું પરંતુ વિશ્વકપમાં આ ટીમને ખબર નથી પડતી શું થઈ જાય છે? વોર્નરે ફોર્મ મેળવી લીધુ. સેમીફાઇનલમાં માર્કસ સ્ટોયનિસ અને વિકેટકીપર મેથ્યૂ વેડે કમાલ કરી દીધો. વેડ ટીમમાંથી બહાર થવાનો હતો અને તેણે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચાડી દીધુ. તો વોર્નરે છેલ્લી બે ઈનિંગમાં દેખાડ્યુ કે હજુ તેની પાસે ક્ષમતા છે. ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ ફાઇનલમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. સ્ટોયનિસ અને વેડે ઓસ્ટ્રેલિયાની ટીમમાં નવા પ્રાણ ફૂંકી દીધા છે. લેગ સ્પિનર એડમ ઝમ્પાએ અત્યાર સુધી 12 વિકેટ ઝડપી છે. તો મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને હેઝલવુડની ત્રિપુટી પણ ન્યૂઝીલેન્ડ સામે દમદાર પ્રદર્શન કરવાના ઈરાદાથી ઉતરશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોયનિસ, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
ન્યૂઝીલેન્ડ
માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ટીમ સિફર્ડ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, એડન મિલ્ને.
મેદાન અને પિચ રિપોર્ટ
દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી રાત્રિ મેચમાં 16 વખત લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી છે. માત્ર આઈપીએફ ફાઇનલમાં ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સે કોલકત્તા વિરુદ્ધ 192 રનનો બચાવ કર્યો હતો. અહીં જો કોઈ ટીમ પ્રથમ બેટિંગ કરે તો ઓછામાં ઓછા 180 રન બનાવવા પડશે. અહીં પર 20 ટી20 મેચોમાં એવું થયું છે કે જ્યારે ટીમે 180થી વધુ રન બનાવ્યા તો 19 વખત મેચ જીતી છે. એક ટાઈ થઈ તેથી જે ટીમ ટોસ હારી જાય અને પ્રથમ બેટિંગ કરે તો તેણે મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે