Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS Final: ભારતીય ટીમ માટે અનલક્કી રહ્યાં છે આ અમ્પાયર, હવે ફાઈનલમાં પણ કરશે અમ્પાયરિંગ

Umpires In IND vs AUS Final: વિશ્વકપ 2023માં બે ઓન-ફીલ્ડ અમ્પાયર, એક થર્ડ અમ્પાયર અને એક ફોર્થ અમ્પાયરની સાથે એક મેચ રેફરી રહેશે. આઈસીસીએ ફાઈનલ માટે મેચ ઓફિશિયલની જાહેરાત કરી દીધી છે. 

IND vs AUS Final: ભારતીય ટીમ માટે અનલક્કી રહ્યાં છે આ અમ્પાયર, હવે ફાઈનલમાં પણ કરશે અમ્પાયરિંગ

અમદાવાદઃ Umpires In World Cup 2023 Final: વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે અમ્પાયર્સના નામની જાહેરાત શુક્રવારે કરી દેવામાં આવી હતી. આઈસીસીએ ઓન-ફીલ્ડ અમ્પાયરિંગની જવાબદારી રિચર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબોરોને સોંપી છે. તો થર્ડ અમ્પાયર અને ફોર્થ અમ્પાયર માટે જોએલ વિલ્સન અને ક્રિસ્ટોફર ગૈફનીને પસંદ કરવામાં આવ્યા છે. આ મહત્વની મેચ માટે એન્ડી પાઇક્રાફ્ટને મેચ રેફરી બનાવવામાં આવ્યા છે. 

fallbacks

ઇલિંગવર્થ અને કેટલબોરો ઈંગ્લેન્ડથી છે. લાંબા સમયથી બંને અમ્પાયરિંગ કરી રહ્યાં છે. વર્તમાનમાં તેમની ગણના દુનિયાના બેસ્ટ અમ્પાયર્સમાં થાય છે. આ કારણે તેમને ક્રિકેટ જગતના સૌથી મોટા મુકાબલા માટે મેદાની અમ્પાયરની જવાબદારી મળી છે. વિશ્વકપ 2023ના સેમીફાઈનલ મુકાબલામાં પણ બંને પર અલગ-અલગ મેચોની જવાબદારી હતી. ઇલિંગવર્થ જ્યાં ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. તો કેટલબોરો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યાં હતા.

વિશ્વકપ 2023 ફાઈનલમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા ભજવનાર જોએલ વિલ્સન વેસ્ટઇન્ડિઝથી છે. તો ચોથા અમ્પાયરની જવાબદારી સંભાળનાર ક્રિસ્ટોફર ગૈફની ન્યૂઝીલેન્ડના રહેવાસી છે. આ બંને મેચ રેફરી એન્ડી પાઇક્રાફ્ટ (ઝિમ્બાબ્વે) ની સાથે સેમીફાઈનલ મુકાબલાની જવાબદારી સંભાળી રહ્યાં હતા. 

આ પણ વાંચોઃ કપિલ દેવ અને એમએસ ધોની બાદ ટ્રોફી ઉઠાવશે રોહિત શર્મા! બન્યો સૌથી અનોખો સંયોગ

વિશ્વકપ 2015 ફાઈનલમાં અમ્પાયરિંગ કરી ચુક્યા છે કેટલબોરો
કેટલબોરોને 100 વનડે મેચમાં અમ્પાયરિંગ કરવાનો અનુભવ છે. નેધરલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાની મેચ તેમના માટે 100મો મુકાબલો હતો. કેટલબોરો બીજીવાર વિશ્વકપ ફાઈનલમાં અમ્પાયરિંગ કરશે. આ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વકપ 2015ની ફાઈનલમાં તેઓ કુમાર ધર્મસેનાની સાથે ઓનફીલ્ડ અમ્પાયર હતા. 

ભારતીય ટીમ માટે અનલક્કી સાબિત થયા છે રિચર્ડ કેટલબોરો
ભારતીય ટીમ છેલ્લા કેટલાક વર્ષમાં જ્યારે આઈસીસીની મહત્વની મેચમાં હારી ત્યારે રિચર્ડ કેટલબોરો મેદાની અમ્પાયર હતા. 2014માં ટી20 વિશ્વકપમાં ભારતે શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2015 વનડે વિશ્વકપની સેમીફાઈનલમાં પણ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. આ બંને મેચમાં રિચર્ડ કેટલબોરો મેદાની અમ્પાયર હતા. 

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પણ ભાજપી નેતાના ખેતીની માટીમાંથી બની છે

2016 ટી20 વિશ્વકપ સેમીફાઈનલમાં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય થયો હતો. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ પાકિસ્તાન સામે ભારતની હાર થઈ હતી. એટલું જ નહીં 2019 વનડે વિશ્વકપની સેમીફાઈનલમાં જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી ત્યારે પણ મેદાની અમ્પાયર કેટલબોરો જ હતા. 

સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ
હવે આઈસીસીએ અમ્પાયરોની જાહેરાત કરવાની સાથે ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ફેન્સ આ અમ્પાયરને ભારતીય ટીમ માટે પનોતી ગણાવી રહ્યાં છે. 

20 વર્ષ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા આમને-સામને
ભારત અને ઓસ્ટ્રેલિયા બીજીવાર વિશ્વકપની ફાઈનલમાં ટકરાવાના છે. આ પહેલા વર્ષ 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વિશ્વકપની ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. રિકી પોન્ટિંગની ટીમે ભારતને ફાઈનલમાં 125 રને હરાવી ટ્રોફી કબજે કરી હતી. હવે આવતીકાલે જોવાનું રહેશે કે કઈ ટીમ વિશ્વ વિજેતા બને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More