IND vs ENG 3rd Test : ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 53 રન બનાવીને રમી રહ્યો છે અને રિષભ પંત 19 રન બનાવીને રમી રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 387 રન બનાવ્યા હતા.
લોર્ડ્સ ટેસ્ટનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ
એક સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 271/7 હતો, પરંતુ તેના ટેઇલ-એન્ડર્સે ટીમ ઇન્ડિયાની મહેનત બગાડી દીધી હતી. ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ખેલાડીઓની ભૂલને કારણે, ઇંગ્લેન્ડનો સ્કોર 271/7 થી 387/10 થઈ ગયો. સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે કેએલ રાહુલે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગની 87મી ઓવર દરમિયાન સ્લિપમાં વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથનો કેચ છોડી દીધો. તે સમયે જેમી સ્મિથ 5 રન પર બેટિંગ કરી રહ્યો હતો.
IND vs ENG : 91મી ઓવરમાં એવું તે શું થયું કે શુભમન ગિલની અમ્પાયર સાથે થઈ બબાલ ?
ટીમ ઈન્ડિયાને હારથી કિંમત ચૂકવવી પડી શકે છે
જીવનદાન મેળ્યા બાદ જેમી સ્મિથે ટીમ ઈન્ડિયાને કોઈ તક આપી નહોતી. જેમી સ્મિથે બ્રાયડન કાર્સે સાથે મળીને આઠમી વિકેટ માટે 84 રન ઉમેર્યા. વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે 51 અને બ્રાયડન કાર્સે 56 રન બનાવ્યા. ભારતીય ટીમના બોલરો પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડને 300થી ઓછા રન સુધી રોકી શક્યા હોત, પરંતુ નબળી ફિલ્ડિંગે ફરી એકવાર ઇનિંગ બગાડી દીધી છે. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં 387 રન બનાવ્યા. અંતે આ રન ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન પહોંચાડશે. આ ભૂલને કારણે ભારતીય ટીમને હારનો પણ સામનો કરવો પડી શકે છે.
ત્રીજા દિવસે લોર્ડ્સ ટેસ્ટમાં શું થઈ શકે ?
લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન માટે બેટિંગ મુશ્કેલ સાબિત થઈ શકે છે. ટેસ્ટ મેચના પહેલા દિવસે કુલ 4 વિકેટ પડી. પરંતુ બીજા દિવસે પીચમાં એવો ફેરફાર થયો કે કુલ 9 વિકેટ પડી. કેએલ રાહુલે છેલ્લે 2021 ટેસ્ટ શ્રેણીમાં લોર્ડ્સમાં શાનદાર સદી ફટકારી હતી. જો ભારતને ઇંગ્લેન્ડના સ્કોરની નજીક પહોંચવું હોય, તો કેએલ રાહુલ અને રિષભ પંતે મોટી ઇનિંગ્સ રમવી પડશે. લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે બોલરોને પીચ પરથી વધુ મદદ મળવાની અપેક્ષા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે