Rishabh Pant : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ છે. ભારતે તેની બીજી ઈનિંગમાં 2 વિકેટ ગુમાવીને 174 રન બનાવી લીધા છે, છતાં ઇંગ્લેન્ડના સ્કોરથી 137 રન પાછળ છે. ભારતની બીજી ઇનિંગની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. શૂન્યના સ્કોર પર, ટીમ ઇન્ડિયાએ પહેલી જ ઓવરમાં ઓપનર યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની વિકેટ ગુમાવી દીધી. એવું લાગતું હતું કે ચોથા દિવસે જ આ મેચ ભારતના હાથમાંથી સરકી જશે. પરંતુ, કેએલ રાહુલ અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી અને ત્યારબાદની 62.1 ઓવરમાં ઇંગ્લેન્ડને એક પણ સફળતા ન મળવા દીધી.
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે રિષભ પંત બેટિંગ કરશે કે નહીં ?
હવે ટીમ ઈન્ડિયા સામે માન્ચેસ્ટર ટેસ્ટના પાંચમા દિવસે મેચ ડ્રો કરવાનો પડકાર રહેશે. ભારતનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે બેટિંગ કરવા આવશે કે નહીં તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું, 'રિષભ પંત કાલે બેટિંગ કરશે.' સિતાંશુ કોટકે સંકેત આપ્યો હતો કે ટીમ ઈન્ડિયા મેચ ડ્રો કરવા માટે રિષભ પંતની બેટિંગ પર આધાર રાખશે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામેની પહેલી ઇનિંગમાં ઋષભ પંત ઈજા છતાં ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા ઉતર્યો હતો અને શાનદાર અડધી સદી ફટકારી હતી અને 54 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે પહેલી ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા.
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
પગમાં ફ્રેક્ચર છતાં પંતે બેટિંગ કરી
જમણા પગમાં ફ્રેક્ચર હોવા છતાં રિષભ પંત બેટિંગ કરવા આવ્યો હતો. જ્યારે પંત બેટિંગ માટે મેદાનમાં આવી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર દર્શકો ઉભા થઈને તેની હિંમતની પ્રશંસા કરી. ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટના પહેલા દિવસે 68મી ઓવરમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કરતી વખતે પંત ઘાયલ થયો હતો. અસહ્ય દુખાવાને કારણે તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. ત્યારે પંતે 48 બોલમાં 37 રન બનાવ્યા હતા. તે ફરીથી બેટિંગ કરે તેવી શક્યતા નહોતી. પરંતુ, શાર્દુલ ઠાકુરની વિકેટ પડ્યા પછી પંત બેટિંગ કરવા માટે ક્રીઝ પર પહોંચ્યો હતો. મેચ જોવા આવેલા દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડીને તેના સાહસ અને હિંમતની પ્રશંસા કરી.
પંત પાંચમી ટેસ્ટમાંથી બહાર
પંતે 54 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગના આધારે ભારતીય ટીમ 358 રન સુધી પહોંચી શકી. તે વિકેટકીપિંગ કરી શકશે નહીં. તેની જગ્યાએ ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરશે. પંત પાંચમી ટેસ્ટમાંથી બહાર છે. તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન એન જગદીસનને તેની જગ્યાએ તક મળે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ, બીસીસીઆઈ દ્વારા ઈશાન કિશનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, તે ઘાયલ છે અને પાંચમી ટેસ્ટની શરૂઆત સુધીમાં ફિટ થવાની શક્યતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે